પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૬૯
 


પરંતુ ગૌતમને એ વાતો આશ્વાસન આપતી જ ન હતી. કેદીએ ઘા કર્યો ત્યારથી જ એની નાનકડી લાડકી બહેન નૂર એને મૂકી સદાય દૂર થઈ. નૂરને રમાડતાં એને એની બહેન સુનંદા અને અલકનંદા યાદ આવતી. અને પેલી મેનામાને વળગી પડેલી નૂર. નૂરની આંખ કેવી વહાલી લાગે એવી હતી ! એ મુસલમાન હતી તેથી શું ? હિંદુઓ એને ઝબેહ કરી શકત ખરા ? એ નિર્દોષ, ફૂલ સરખું કુમળું, સંસ્કૃતિના સ્મિત સરખું મુખ ભયભીત જોતાં પણ ગૌતમનું હિંદુત્વ લાજતું હતું ! એને બાળસૌંદર્ય સમસ્ત નૂરમય લાગતું હતું.

અને કેદખાને નૂર ઉપર ઘા કરીને માનવજાતે એની આખી સ્નેહસૃષ્ટિને છેદી નાખી.

રાક્ષસ માનવી બધુંય કરે, એ મેનામાને પણ કાપી નાખે અને એ નૂરને પણ છરો ભોંકી દે.

તેમ કરીને વળી એક જણ મુસ્લિમ તરીકે ગર્વ લે, ને બીજો હિંદુ તરીકે ગુમાન ધારણ કરે !

આ જગત ! આ માનવી ! એના કરતાં પથ્થર બનવું શું ખોટું ?

ગૌતમના હૃદય ઉપર નિરાશાનાં પડ ચઢી ગયાં. એના હૃદયમાંથી ઊર્મિ જ શોષાઈ ગઈ. એની બુદ્ધિ ઉદાસીનતામાં ઝબકોળાઈ. ચેતન માનવી બનવાને બદલે એ જડ પૂતળું બનતો ચાલ્યો.

એક વર્ષ વીત્યું - બે વર્ષ વીત્યાં. બધાંય સરખાં.

એને લેખનકાર્ય સોંપવામાં આવ્યું. નકલો કરવી, હિસાબ રાખવા, વસ્તુઓ ઉપર ચિઠ્ઠીઓ ચોડવી, એવાં બુદ્ધિપ્રધાન કાર્યો તેની પાસેથી લેવાવા માંડ્યાં. બુદ્ધિપ્રધાન ! ગૌતમ યંત્ર બનતો જતો હતો !

કવચિત્ રાતમાં એ ઝબકીને જાગતો. ક્રાન્તિકારીઓને મોખરે ધ્વજ લેઈ એ જગતના દલિતોને સત્તા અપાવતો હોય ! એવામાં કોઈ બેવકૂફ દલિત મેનામાને, નૂરને કે ખિસકોલીને રિબાવતો દેખાતો ! ગૌતમનું સ્વપ્ન ઊડી જતું, અને પછી આખી રાત મૂર્છિત માનસસહ તે વિતાવતો.

ત્રણ વર્ષ વીત્યાં. ગૌતમને કંટાળો ઊપજતો પણ અટકી ગયો. કદી કદી તે જૂનાં જીવનસ્મરણોમાં જાગી ઉત્સાહ અનુભવતો, પરંતુ તે સ્વપ્નનો ઉત્સાહ ! કદી કદી તેને ભયચમક થઈ આવતી કે એનું હૃદય થીજી જઈ એના ભૂતકાળને ઠંડા હુતાશથી બાળી મૂકશે શું ? કદી કદી તે ભાવિમાં નજર નાખી રોમાંચ અનુભવતો. પરંતુ તે ક્ષણ બે ક્ષણ માટે. એનું આખું ભાવિ દુશ્મને બાળી ભસ્મ કરેલા પ્રદેશ સરખું ખાખભરેલું હતું !