પૃષ્ઠ:Chhayanat.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬: છાયાનટ
 

આપવાને બહાને જીવવા મથી રહેલી લજામણી એ જાત યાદગીરીમાંથી જેટલી દૂર થાય એટલું સારું !

સરકાર તો વળી મા અને બાપ ! હિંદનાં રાજારાણીને માત્ર છબીમાં જ જોવાય ! તેમના પ્રતિનિધિઓ હિંદમાં ફરે ત્યારે હજારો માઈલની રેલ્વેને થાંભલે થાંભલે ગામડિયાઓએ તેમના રક્ષણ અર્થે ઊભા રહેવાનું ! અને તે પણ મુખ ફેરવીને ! ન રાત જોવાય, ન દિવસ; ન ટાઢ વિચારાય, ન તાપ. ગ્રામોન્નતિનાં ગપ્પાં ઠોકવાં, પોતાને ખરેખર રાજા માનતા અને મનાવતા હિંદના હવાઈ અને ચિત્રામણિયા રાજાઓના દરબાર ભરવા, અને એકાદ શિખામણ આપી એ રાજાઓને હિંદને બેવફા નીવડેલા પૂર્વજોની મૈત્રી સંભારવી, ધારાસભાના પ્રતિનિધિઓ વિરુદ્ધ હોય તે કાયદાઓ અવશ્ય પસાર કરી સત્તાનું પ્રદર્શન કરવું, અને હિંદવાસીઓના બધા જ પક્ષો સમજ વગરના છે એમ માની મનાવી ‘સહુ સલામત’ની બાંગ પોકારવી. પ્રજાને ઐક્યનો બહારથી બોધ આપી વર્ગભેદ વધે એવી ગુપ્ત મુત્સદ્દીગીરી યોજવી, અને મોગલાઈ ઠાઠ સાથે પાંચ વર્ષનું સ્વર્ગ ભોગવી હિંદની ગરીબી વધારવી ! આ સિવાય પ્રજાને સરકારનો બીજો કશો પરિચય હોય તો પ્રજા જાણે ! કે ઈલકાબધારીઓ જાણે !

એ સરકાર માબાપ !

ગૌતમને સૃષ્ટિ ફરતી લાગી, પૃથ્વી હાલતી લાગી.

શું કરવું ? પિતા સાથે જવું કે અહીં રહેવું ? તેના મિત્રો દૂરથી આવતા દેખાયા.

‘ફત્તેહ ! ગૌતમ ફતેહ !’ દીનાનાથે બૂમ પાડી.

‘એટલે ?' પાસે આવેલા દીનાનાથને ગૌતમે પૂછ્યું.

‘તું ચાર દિવસ તારા પિતા સાથે જઈ આવ. ક્રિકેટ મૅચને દિવસે પાછો આવજે. પછી તને કૉલેજમાં દાખલ કરી દેશે.' દીનાનાથે કહ્યું.

‘ખરી વાત કહો છો ?’ ગૌતમે પૂછ્યું.

‘પ્રિન્સિપાલ સાહેબના કથનનો એવો ઝોક હતો ખરો. પણ...’ રહીમે કહ્યું.

‘રહીમ તો છે જ વિચિત્ર ! ન હોય તેવો અર્થ એ કાઢવા તૈયાર હોય છે.’ શરદે કહ્યું.

‘ત્યાં બન્યું શું ?’ ગૌતમે પૂછ્યું.

‘ધાર્યા કરતાં વધારે સરળતાથી કામ થયું.’ અરવિંદ બોલ્યો. અને તેણે આખા પ્રસંગનો અહેવાલ આપ્યો. પ્રિન્સિપાલ સાહેબે ગુસ્સાને બદલે