પૃષ્ઠ:Chhayanat.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૨૭
 

સ્મિતથી છયે જણને આવકાર આપ્યો; કૉલેજનું અને પોતાનું માન રાખવા આગ્રહ કર્યો. પ્રિન્સિપાલને મન કૉલેજના વિધાર્થીઓ પુત્રવત હતા અને એનાં તેમણે અનેક દૃષ્ટાંતો આપ્યાં, અને વગર શરતે છયે જણાંને કૉલેજમાં પાછા લેવાની ઈચ્છા દર્શાવી એક વડીલ તરીકે આ પ્રસંગ માટે શોક જાહેર કર્યો.

‘તમે છયે જણ વગર શરતે કૉલેજમાં આવી શકો છો. પછી કાંઈ ?' પ્રિન્સિપાલે જણાવ્યું.

છયે વિદ્યાર્થીઓ ઝાંખા પડ્યા. આ ઉદારતાની તેમને આશા ન હતી.

‘પરંતુ બીજા બધાએ માફીપત્ર લખી આપ્યાં છે ને ?’

‘કહો તો તે બધાં રદ કરું.’ અગર તમને મારું માન તમારું લાગતું હોય અને વિશ્વાસ હોય તો તમે પણ માફીપત્ર લખી આપો.' પ્રિન્સિપાલ સાહેબે કહ્યું.

વિદ્યાર્થીઓનાં હૃદય છેક રીઢાં બની ગયેલાં ન હતાં. સહજ માનભર્યું વર્તન તેમને ઉદારતાની ટોચે ચડાવે છે. કોનું માન વધારે રાખવું ? વિદ્યાર્થીઓનું કે પ્રિન્સિપાલનું ?

‘પરંતુ જે પ્રશ્ન ઉપર અમે હડતાલ પાડી છે તેનું નિરાકરણ તો થતું જ નથી ને ?’ નિશાએ હિંમત લાવી કહ્યું.

'કયો પ્રશ્ન ? તમે છોકરાં ઘેલાં બની ગયાં લાગો છો. તમારે જોઈએ શું તે કહેશો ?' પ્રિન્સિપાલે વાત્સલ્યથી પૂછ્યું.

‘કેમ સાહેબ ? ગૌતમને આપે...' રહીમે કહ્યું. એકાએક ગંભીરતા ધારણ કરી રહીમને બોલતો રોકી પ્રિન્સિપાલે મેજ ઉપર હાથ ગોઠવી કહ્યું:

‘તમે બચ્ચાંઓને ક્યાં કશી ખબર હોય છે ? મેં ગૌતમને માટે શું શું કર્યું છે એ તો તમે જાણશો તોય માનશો નહિ. પરંતુ તમને એક વાત સમજાવું. સામ્યવાદી સાહિત્ય અને સામ્યવાદી મંડળો ઉપર પ્રતિબંધ છે એ જાણો છો ને ?’

‘હા, જી. પણ એ પ્રતિબંધ શા માટે....?' અરવિંદ બોલ્યો.

‘એ પ્રશ્ન બીજો છે. રાજકીય ઉગ્રતાભર્યો એ પ્રશ્ન છે. અને તમે એને જેટલો ઓછો છંછેડો એટલો આપણા દેશને લાભ છે. એ વાત પણ બાજુએ મૂકો. પરંતુ તમને મારી યોજના સમજાવું ?’

'જી.'

‘ગૌતમને કાઢી મૂકવાની ધમકી ન આપી હોત તો તમે બધા હડતાલ