પૃષ્ઠ:Chhayanat.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨: છાયાનટ
 

કરજે.'

‘તમે શો ધંધો કરો છો ?’

‘મારું નામ તો તું જાણતો લાગે છે.'

‘એક ભાઈએ મને તમારો ડર બતાવવા નામ કહ્યું.’

‘નામ ઉપરથી ધંધો ધારી લે.’

‘ગુંડાગીરી ધંધો હોઈ શકે જ નહિ.’

‘તારી મોટી ભૂલ થાય છે. એ સિવાય બીજો સફળ ધંધો એકેય નથી.’

‘ભણેલાઓ માટે પણ ?’

‘અરે, હા રે હા ! ભણેલાને ગુંડાગીરી આવડે તો તે અમલદાર થાય; ન આવડે તો કારકુનીમાંથી ઊંચો જ ન આવે.'

ગૌતમના પિતા હજી કારકુનની જ કક્ષામાં હતા ! એમણે ગુંડાગીરી કરી હોત તો ? અમલદાર બની આજ તેઓ સેકન્ડ કે ફર્સ્ટ ક્લાસની મુસાફરી કરતા હોત !

'અને તારે દેશસેવા કરવી હોય તો એની વધારે જરૂર રહેશે. નહિ આવડે તો ધપ્પા ખાઈ માર્યો જઈશ અને તને કોઈ ઓળખવાનું પણ નથી.’ કીસને આગળ કહ્યું.

‘ગાંધીજીને તમે ગુંડા કહેશો ?’

‘જો ને ભાઈ, ગાંધીજીની વાત બાજુએ મૂક.’

હજી હિંદુસ્તાનમાં એક નામ એવું હતું, જેની સાથે તોછડાઈભરી રમત કરતાં ગુંડાઓ પણ અચકાતા હતા !

‘શા માટે ?’

‘એમાં જ સારું છે.'

‘ગાંધીજી પ્રત્યે મને કાંઈ પૂજ્યભાવ નથી. એમની નિષ્ફળતા....’

‘ખરું ને ? એમની એક મોટી ભૂલ થાય છે. એ પરદેશી ગુંડાગીરીને ઓળખે છે, પણ જાતે એ ગુંડાગીરી કરતા નથી. એ નહિ કરે ત્યાં સુધી એ નિષ્ફળ જશે.'

‘એમની સામે થવામાં તમે અમને મદદ કરો કે નહિ ?’ એકાએક સ્વાતંત્ર્યપ્રેમી ગૌતમથી બોલાઈ ગયું.

કીસન ગૌતમ સામે ઘડીભર જોઈ રહ્યો. ગૌતમની અણઆવડત કે આદર્શ પ્રત્યે તેને અવિશ્વાસ ઊપજ્યો. જરા રહી તેણે ધીમેથી કહ્યું :

‘ગુંડાઓને કામની કિંમત મળે તો એ બધુંયે કરે, સમજ્યો ?’