પૃષ્ઠ:Chhayanat.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪: છાયાનટ
 

શકત. પરંતુ તારી માતાના મૃત્યુ પછી મેં પગાર વગરના પૈસાને હાથ અરાડ્યો નથી.’

'તે પહેલાંની કાંઈ રકમ હશે ને ?’

‘જેને તેને પાછી આપી દીધી - વસ્તુઓ સુદ્ધાંત.'

પિતાની પાસે થોડો ધનસંચય પણ હોત તો પિતાને નોકરીનો ભોગ આપવાની વિનંતી ગૌતમ કરવા ધારતો હતો; પરંતુ એ બાજુએ નિહાળવા સરખું પણ ન રહ્યું. પિતાની નોકરી જાય તે ક્ષણથી ચારે કુટુંબીઓએ ભૂખમરો સેવવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન થતી હતી !

એ જોખમ પણ કેમ ન ખેડાય ? મજૂરી મહેનત કરીને, ભણીભણાવીને, લેખો લખીને, પ્રૂફ તપાસીને, ગમે તેમ કરીને ચાર માણસનું ગુજરાન ચલાવવું એમાં મોટી વાત શી ? ગૌતમના હૃદયમાં હિંમત આવી. સરકારી નોકરીને પોષણનો એક જ એક આધાર માની પરાધીનતા વધાર્યે જતી આપણી બુદ્ધિ બીજે માર્ગે ચડે તો પરાધીનતાનો એક ચડેલો વળ ઓછો થઈ જાય.

‘હું ચારે જણનું ભારણ મારે માથે લઈ લઉં છું.' ગૌતમે કહ્યું.

'તને ખ્યાલ નથી. સરકારની ઈતરાજીવાળા માણસને કોણ ઊભું રાખશે ? એ જોખમ ખેડવા કોણ તૈયાર ધશે ? હું તને બીજો રસ્તો બતાવું. હમણાં સહી કરી આપ. એકાદ વર્ષમાં હું નોકરી છોડવાની તાકાત મેળવી લઈશ. પછી તને ફાવે તે કરજે.' વિજયરાયે કહ્યું.

‘એટલે આપ ફરી લાંચરુશવત લેવી શરૂ કરશો ?’ આશ્વર્યથી ગૌતમે પૂછવું. ધ્યેય ઉત્તમ હોય તો ધ્યેયપ્રાપ્તિના માર્ગ ગમે તેવા લેઈ શકાય એવી માન્યતા સેવતા ગૌતમને ક્રાન્તિ માટે પણ પિતા લાંચ લે એ જરાય ગમ્યુ નહિ કેમ ?

‘હું શું કરીશ એ તું ન પૂછીશ. એક વર્ષમાં તને દસ વર્ષ ચાલે એટલી સંપત્તિ મેળવી આપું. પછી કાંઈ ?'

'ના, ના, એ તત્ત્વ જગતભરમાંથી નાબૂદ કરવું છે; મારે માટે એ શરૂ કરવાનું નથી.’

પુત્રને માટે લાંચ ! લાંચ લેનાર આખો વર્ગ વાત્સલ્ય કે કુટુંબપોષણનો ઉદ્દેશ રાખે છે, નહિ ? પરંતુ કુટુંબનું પૂરું થાય એટલો પગાર મેળવનાર મોટા અધિકારીઓ પણ લાંચ લે છે એનું કેમ ?

'ત્યારે તારે સહી નથી કરવી ?’

પુત્રને માટે લાંચની અધમતા સુધી ઊતરનાર પિતા પુત્રને દેશ માટે