પૃષ્ઠ:Chhayanat.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨: છાયાનટ
 


‘તાળીઓ પડે માટે આઉટ થાય ?'

‘તમે કહ્યું ને ?’

એ વાતચીત હિંદને મળનારા સ્વરાજ્ય સરખી અરધેથી અટકી. કારણ રમત પાછી શરૂ થઈ ગઈ અને રમતના કરતાં વધારે ઝડપી ટીકા પેલા મહાન વિવેચકે શરૂ કરી દીધી :

‘અરવિંદ સ્ટેડી ! જરા પગ આગળ ધર્યો હોત તો ઑફમાં બાઉન્ડરી જાત... જો ને, સ્કીપરે ફીલ્ડિંગ ગોઠવી છે !... પેલા કૉર્નર ઉપર એક ફીલ્ડર રાખ્યો હોત... શાબાશ ! ફટકો લગાવ્યો ખરો... આાલા નાયડુ... પણ બચ્ચા સંભાળજો. સામે ફલ્ડિંગમાં અદી છે હો...’ વિવેચનપ્રવાહમાં ઝડપ આવ્યો જતી હતી. રમત કરતાંય વિવેચન તરફ કોઈ વાર વધારે ધ્યાન ખેંચાતું હતું. બેત્રણ માણસો હસતા હતા અને બાકીના કંટાળતા હતા.

સઘળું ક્રિકેટજ્ઞાન આજે જ મેળવી લેવું એવો નિશ્ચય કરીને આવેલાં પત્નીએ ગુરુશિષ્યની પરંપરાને અનુસરીને એક પ્રશ્ન ફેંક્યો :

‘રમતમાં બેરાં પણ ખરાં કે ?'

‘હિંદુસ્તાનમાં ભાગ્યે જ હોય.’

‘આમાં તો લાગે છે.'

'તને કોણે કહ્યું ?' પત્નીમાંથી મમત્વ ખસેડતા પતિએ ધીમેથી પૂછ્યું.

‘કોઈકે કહ્યું ને કે રમતમાં ‘અદી' નામની એક બાઈ સામે છે !’ ઈકારાન્ત શબ્દ નારીવાચક હોવો જોઈએ એવી સામાન્ય માન્યતાનો ભોગ થઈ પડેલી જ્ઞાનાતુર પત્નીએ સ્પષ્ટતા કરી.

આસપાસ આછા હાસ્યના ફુવારા ફૂટી નીકળ્યા. પતિને લાગ્યું કે હજી પત્નીમાં જાહેરપ્રદર્શન માટેની પાત્રતા આવી નથી. રમત વધારે વિગતથી ઘેર સમજાવી હોત તો આમ નીચું જોવાનો પ્રસંગ ન આાવત !

પરંતુ નજદીક બેઠેલાં એક જ્ઞાની સન્નારી અજ્ઞાન પત્ની પ્રત્યે હસી રહી ‘અદી' શબ્દ ઉપર પ્રકાશ પાડી ઊઠ્યાં :

‘અદી તો પારસી છોકરો હોય ! મોટું નામ અરદેશ્વર !’

સામાન્યતઃ ઉચ્ચારાતું ‘અરદેસર’ નામ એ સન્નારીને અશુદ્ધ લાગ્યું - પોતે ઘણાં વિદ્વાન હોવાથી. પ્રાચીન ઈરાની બાદશાહના નામનું હિંદુકરણ કરી તેમણે પ્રાચીન પારસીઓ અને હિંદુઓની એકઆાર્યતા તરફ સંસ્કૃત પંડિતને શોભે એમ ધ્યાન ખેંચ્યું.