પૃષ્ઠ:Chhayanat.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪: છાયાનટ
 


જ્ઞાનતંતુઓ આજ ઝણઝણી ઊઠે છે.

રહીમે સુંદર ફટકો મારી બૉલને બાઉન્ડરી ઉપર મોકલ્યો. મેદાન તાળીઓથી ગાજી રહ્યું. અમ્પાયરે કવાયત થતી હોય એમ બે હાથ લંબાવી હવામાં તરવાનો દેખાવ કર્યો.

‘પેલા ધોળા ઝભ્ભાવાળાને શું થાય છે ?’ પત્નીની જ્ઞાનપિપાસા છીપતી ન હતી.

'બધું હું ઘેર સમજાવીશ. હમણાં કશું પૂછીશ નહિ.’ પતિએ કહ્યું.

'તે બધું સાંભરશે કેમ ?’

‘બોલ્યા વગર જોયા કર.’ પુરુષે સન્નારીનું અપમાન કર્યું. ધીમે રહીને. એવાં અપમાન એકાદ દિવસ માટે મુશ્કેલીને દૂર કરે છે.

એક લાડતો રડવાની તૈયારી કરતો અવાજ સંભળાયો :

‘બા, અરવિંદ આઉટ થઈ જશે !’

‘ના, હોં ! ગભરાઈશ નહિ, નહિ આઉટ થાય !’ પીઠ ઉપર હાથ ફેરવી માતાએ ગભરાતી બાળકીને આશ્વાસન આપ્યું. બાળકી બાવીસેક વર્ષની હતી. અને અરવિંદની ઈકોતેરમી પેઢીએ પણ સગી થતી ન હતી.

રહીમે ઓવરબાઉન્ડ ફટકો લગાવ્યો. આનંદની હેલી વરસી રહી. મૂર્તિપૂજક હિંદને દેવ ઓછા પડે છે. કેટલાકે રમતના મેદાનની મર્યાદા વટાવી દોડી રહીમને ફૂલહાર કર્યા. કેટલાંક ટેવાઈ ગયેલાં શાળાબાળકોએ દોડીને રહીમના હાથમાં પૈસા મૂકવા માંડ્યા. અંપાયરો નિયમ તોડતા હિંદવાસીઓનાં ટોળાંને મેદાન ઉપરથી દૂર કરવા લાગ્યા. મુસ્લિમોએ પોતાની વાંકી ટોપી વધારે વાંકી કરી. રહીમના ફટકા પાછળ જગતની સમસ્ત મુસ્લિમ જનતાનું જોર હતું એમ તેમને લાગ્યું !

‘હવે એ ઝિલાવાનો.' રમતના વિધાતા વિવેચકે કહ્યું. પોતાને સૂત્રધાર માનતા વિવેચકે ખેલાડી કરતાં પોતાને વધારે ઊંચી કક્ષાએ બેસાડી રહીમનું ભવિષ્ય ભાખ્યું. એ ભવિષ્ય ઉચ્ચારણમાં કોકિલટહુકો ન હતો, કાકવાણી હતી.

પરંતુ રહીમ ઝિલાયો નહિ. તેણે રમતમાં ખૂબ જાગ્રતિ લાવી મૂકી. ફટકા ઉપર ફટકા તે માર્યે જતો હતો, અને વિવેચનોથી તદ્દન જુદું જ પરિણામ્ આવ્યા કરતું હતું. અરવિંદે પણ પોતાની સ્થિર રમતમાં વેગ ઉમેર્યો.

સાદી આંખે અગર ચશ્માંની મદદથી પણ ન દેખાય એવી ખૂબીઓ