પૃષ્ઠ:Chhayanat.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ : ૭૫
 

પરખી કાઢવા માટે દૂરબીનનો પણ ઉપયોગ કરનાર શોખીનો તમાશબીનોમાં હોય છે. એક યુવતીએ દૂરબીન પકડી બીજી યુવતીને કહ્યું : ‘જોયું પેલી મૃદુલા શું પહેરીને આવી છે તે ? સામા તંબૂમાં જો.'

‘એના ઠસ્સાનો પાર જ નહિ !’

‘જો તો ખરી, એની સાડીની કિનાર કેવી છે તે !’

‘બંને દોસ્તો ઠીક જામી ગયા છે.' કોઈએ સાડીની કિનાર નિહાળતી યુવતીઓને નિરર્થક દૃશ્ય જોતાં અટકાવવા કહ્યું.

‘એકાદ જણ હવે ઊપડવાનો...’ વિવેચકનું ફળજોતિષ ચાલુ જ હતું.

'દોસ્ત !’ એક મુસલમાને પાસે બેઠેલા બીજા મુસલમાનને પૂછ્યું. રહીમ અને અરવિંદ દોસ્ત હોય એમ એ માની શક્યો નહિ.

‘અરે યાર ! કેમ આમ કરે છે ? રનની કેટલી ઉતાવળ ? બધી રમત બગાડી નાખી !' વિવેચકે સહુને આનંદ આપતી રમત વિરુદ્ધ પોતાનો અણગમો દર્શાવ્યો.

‘એ બંધ કર બકવાદ ! સીર ખા ગયા, સુવ્વર !’ શુદ્ધ ગુજરાતી બોલતા અગર ગામડિયું ગુજરાતી બોલતા સઘળા મુસ્લિમો હવે ઉર્દૂને ચાળે ચઢ્યા છે. ‘સીર ખાવું’ એ ઉદૂમાં સ્વીકાર્ય હોય કે ન હોય છતાં સંસ્કૃત પંડિતોની માફક ઉર્દૂકરણની તમન્ના હવે મુસ્લિમોના હૃદયમાં જોરથી જાગી છે.

અને એકાએક આખું મેદાન સ્તબ્ધ બની ગયું. ‘હાઉઝ ધેટ ?’ના પુછાયલા પ્રશ્રે અમ્પાયરની એક આંગળી ઊંચી કરાવી. રહીમ સહજ ઊભો રહ્યો; તેણે પોતાના પગ તરફ જોયું, અને કાંઈ પણ બોલ્યા વગર તે બેટ ઘસડાતું રાખી તંબૂ તરફ દોડ્યો :

‘શેમ ! શેમ !'ના ઉદ્ગારો ચારે પાસથી સંભળાવા લાગ્યા.

‘શું થયું ?' અપમાનિત પત્નીથી રહેવાયું નહિ એટલે તેમણે પૂછ્યું.

‘રહીમ આઉટ થયો.’ પતિને લાગ્યું કે ચારેપાસ ચાલતા ધાંધલમાં તે જ્ઞાનનો પ્રકાશ પાડી શકશે.

‘સાથી આઉટ થયો ?’

‘એલ.બી.ડબલ્યુ. આપ્યું.’

‘શું આપ્યું ?'

‘રહીમનો પગ વચ્ચે આવ્યો.’

‘તમે કાંઈ એ.બી.સી.ડી. જેવું બોલ્યા ને ?’

'અંગ્રેજીમાં એવું બોલાય છે.’