પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો
૧૭૧
 

 સંયોગીઓના શિર પર પાછી વિયોગની પળ આવી ખડી થઈ જાય છે, અને તે સમય તો બરાબર ફૂલ ફૂટવાનો છે–

ફૂલ ફુઈટું ને ચાઈલા ચાકરી હો મારૂજી,
હાથેની ગૂંથેલી મારી ઓઢણી રે લોલ.

પ્રકૃતિ પુષ્પિત બની છે જ્યારે, અને આ જોબનની કળી પણ ફૂટી ઊઠી છે જ્યારે, ત્યારે જ તમે ચાકરીએ ચાલ્યા ? મને શીદ સાથે નથી લઈ જતા ? હું બોજારૂપ બનીશ, અગવડ કરીશ, એ બીક છે ? ના રે ના, જુઓ તો ખરા, હું તમને ભાર નહિ કરું; હું તો તમારી અંદર જ ગોઠવાઈ ને સમાઈ જઈશ :—

પાન સરખી રે હું તો પાતળી,
રે મને બીડલે વાળી લઈ જાવ;
રે રાજા રામ ચાલ્યા વનવાસ,
રે રાજા રામ ચાલ્યા વનવાસ.

સોપારી સરખી રે હું તો ઠીંગણી,[૧]
રે મને ગજવે ઘાલી લઈ જાવ;
— રે રાજા રામ૦

એલચી સરખી રે હું તો મઘમઘું,
રે મને દાઢમાં ઘાલી લઈ જાવ.
— રે રાજા રામ૦

સોટી સરખી રે હું તો પાતળી,
રે મને હાથમાં ઝાલી લઈ જાવ.
— રે રાજા રામ૦

  1. *સોરઠી લગ્નગીતમાં આ ઉપમાઓ છે, પણ ‘ઠીંગણી’ શબ્દને સ્થાને કાવ્યમય ‘વાંકડી’ શબ્દ છે, અહી તો આ ‘ઠીંગણી’ જેવો અન્યથા રુચિઘાતક શબ્દ જ કેવો સુસ્થાને દીસે છે !