પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
છેલ્લું પ્રયાણ
 


જે જુવાન જોર ના કરે
એની બૈરી બીજો કરે !

પંડિત એ દૃષ્ટિએ સલામત ને બેફિકર છે. મુડદાલનું ઓઢણું માથે રાખીને બેસનારી ખાય શું ? ખાવાના કરતાં પણ મોટો પ્રશ્ન તો શણગારનો બને છે. કમજોર ધણી પરદેશથી કંઈ શણગાર લીધા વિના ઘેર રખે આવે, તે માટે તો એને દુબળાંનાં બૈરાં નૃત્યગીત ગાઈને નાનપણથી જ ચેતવી રાખે છે —

તું તો મારા માટે ઓઢણી લાયો નથી,
ઓ મારા રંગીલા લાલ !
તું તો મને ગમતો નથી!

આ ગમા અને અણગમા, આ પ્રણય અને અતિતૃપ્તિ, આ ઉરઉછાળા અને નિર્વેદ, એકબીજાથી છેક જ નજીક છે જીવનમાં. વચ્ચે એક ‘ઝીણી પછેડી’ જેટલું જ વ્યવધાન છે. બેઉ ભાઈઓએ એ ઝીણી પછેડીનું લગ્નગીત સંભળાવ્યું. વર માહ્યરે આવે, વર–કન્યાની વચ્ચે જે અંતરપટ રખાય છે તેને ખેસવી લીધા પછી તુરત આ ગવાય છે એમ મને કહેવામાં આવ્યું —

એક ઝીણી રે પછેડીની એાઢણી,
એને ખસી જતાં નવ લાગી વાર રે,
અવસર આવો ફરી નહિ મળે.
 
એક મોગરિયાની ડાળ રે પાતળી,
એને બે’કી જતાં નવ લાગી વાર રે — અવસર૦
 
એક પીળી રે માટોડીની માટલી,
એને ઝરી જતાં નવ લાગી વાર રે — અવસર૦