પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી !
૪૩
 

સજણાં ચડ્યાં ચોરીએ,
ચકલાં બાંધ્યાં ચાર;
બાથમાં ઘાલી બેસારો માયરે,
કોડે જમાડો કંસાર.
કોડે જમાડો કંસાર તે લગારક ચાખશે,
પછે પીઠિયાળી વરમાળ ડોકમાં નાખશે.

¤

ઊજળાં સાજણને ન સારીએ
જેની કાયામાં હોય બો'ળા કાંટા,
સાજણ દી'એ પાડે હા,
રાતના ખવારે આંટા.

આના રચયિતા જેઠો ને ચૂડ વિજોગણ, બેઉ બાદ દેવાય છે. કવિ નહિ, કવિતા જ રહી જાય છે. લોકવાણીમાં શ્વાસ ઘૂંટનાર એ સંગાથી મુસાફરનું મન જ આપણા વિચારનો એકમાત્ર વિષય રહે છે. પ્રિયજન-સ્વજનનાં પરણેતરનો ચિતાર મહાલીને એ વળતી જ ક્ષણે ચંચળ સ્વજન-મનથી ચેતી જવા કહે છે. પ્રેમમાં મળેલી નિરાશા એ તો ભારી સાર્વજનીન ભાવ લાગે છે ! કોણ જાણે ક્યાંથી કાને પડેલાં, કેટલી પેઢીએ ટોચાતાં ને ખરી જરી જતાં આ ખંડિત પદોને એ ભરવાડે પકડી, કલેજે ને કંઠે રમમાણ રાખ્યાં હશે—

સજણે શીખું માગીયું,
રુદાના રામ રામ કરે.
પલમાં ખોળા પાથર્યા,
ચડીને થિયાં સવાર.
 
ચડીને થિયાં સવાર, તે ઊભાં સલામું ધરે
સજણે શીખું માગીયું, રુદાના રામ રામ કરે.

¤