પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
છેલ્લું પ્રયાણ
 

 ભોળો ભાયો પોતાની તરવાર લઈ દેવા સાથે ચાલ્યો. માડીથી દક્ષિણાદા થોડે ગયા ત્યાં દેવાએ પાછળ રહી જઈ ભાયાને બંદૂકે ઠાર કર્યો. સંવત ૧૯૨૯. ત્યાં આજે ભાયાની ખાંભી છે.

ભાયાની તરવાર લઈ દેવો ગામણાઓ પાસે આવ્યો. ગામણાઓએ જ એને આ કૃત્ય સોંપ્યું હતું. બદલામાં એને એક સાંતીની જમીન ને હજાર કોરી ઈનામ દીધી. ભાયાની જમીન પિત્રાઈએ લઈ લીધી.

મરનાર ભાયાના ઘરમાં રાજબાઈ નામે કચ્છની ચારણી હતી. એને દેવી કામઈ સરમાં આવતાં તે સતી થાત, પણ બે દીકરી ને એક દીકરો હતાં તેને મોટાં કરવા પોતે દેહ રાખ્યો.

રાજબાઈનો દીકરો રાયદે પંદર વરસનો થયો. કામકાજ કરે નહિ. ભેંસો ચારવા જાય તો ઠપકા ઘેર લાવે. પરણાવેલા પુત્રને એક દિવસ રાજબાઈએ કહ્યું, ‘પુતર. તોફાન મ કર. હી ગોઠમેં પાણજો કોઈ નાય. ને હી જામજો ને ગામણેજો જોર આય. તો પાણ મથે હીનજાં વેર આય. તો પાણને ધ્યાન રખણો ખપે. ને હી નાર હણે હી જામ વાઘોરેતા. કમ કજ કરીન્દો ના તો ખેન્દો કો!’ (તોફાન કર નહિ. આ ગામમાં આપણું કોઈ નથી. જામ તેમજ ગામણા ચારણોને આપણે માથે વેર છે. તો ધ્યાન રાખવું ઘટે. ને જો, જામ લોકો તો મારી નાખવાની ધમકી પણ મોકલે છે. કામ નહિ કર તો ખાઈશ શું ?)