પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
ચિત્રદર્શનો
 

જાણે મૃત્યુએ પળેક પડદો ઉપાડ્યો,
જાણે કે જરીક ત્‍હારૂં પોપચું ઉઘડ્યું,
ને ત્‍હારી તેજમીટના એક મટકાએ
વધાવ્યા, તેજસ્નાન કરાવ્યાં.
એમ લાગ્યું અવનિમાંના અમને કે
ત્‍હારા આત્મતત્ત્વે દર્શન દીધાં જાણે
એ સૂર્યલોકના તેજકિનારેથી.
પણ પૃથ્વીવાસીના પુણ્યોદય
અનિત્ય જ છે હંમેશના :
પંખીની ઉડતી પાંખના પલકાર શા.

તે સિધાવ્યો સાધુવર
મનુષ્યમાંથી દેવમડલીમાં,
અનિત્યમાંથી નિત્યધામમાં,
જગતમાંથી જગન્નાથમાં.
માયામાંથી પરબ્રહ્મમાં
યોગીઓની યોગગુફાઓ
ખાલી-ખાલી શી છે ઉજ્જયન્ત ઉપર,
ગગનગહ્નર શા ગરૂડના માળા
સૂના-સૂના છે, દ્‍હેરીઓ સમા,
ફૂટેલા કાનની બખોલો જેવા.
સિંહની બોડમાં બ્‍હારવટિયા
ભરાય છે ને મરાય છે,
મહાત્માઓ નથી એ વનમ્હેલોમાં.