પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૦૧
 

સૌરાષ્ટ્રીઓ ! સૌ સુણજો
મનુકુલનો આ મહાપોકાર,
ઉંડું ઉંડું અન્તરમાં આલોચજો :
ગઈ ગ્રીષ્મમાં ગિરનાર દૂઝતો ન્હોતો,
ફૂટેલાં લોચનો સરિખડા
જલકુંડો જલખાલી હતા
પૃથ્વીના સુકાયેલા સ્તન સમા.
શિખરોની હૃદયસેરો ન્હોતી વહતી.
વહૂકી ગઈ હતી ગિરનારની કામધેનુ.
ગિરિવાસીઓ ગિરિ ઉપર
પાણી તળેટીમાંથી ચ્‍હડાવતા.
સૌરાષ્ટ્રીઓ ! શિખરો સૂકાય છે,
ગૌમુખી ગંગાના વ્હેણ તૂટ્યાં છે.
દેવશિખરો સૂનાં સમાં છે,
મન્દિરોમાં મહાત્માઓ નથી.
સોરઠ સાધુસૂનો થતો જાય છે.
ને એ અમૃતમોરલો યે
ઉડી બેઠો અનન્તને આંબલિયે.
એની ઘેરીમધુરી કેકા ટહૂકી,
એ જીવનપુરાણે સમાપ્ત થયું.
ચારુ વાટિકાનો ચારુત્તમ
સિધાવ્યો તે સૌરાષ્ટ્રનો સાધુરાજ
અહાલેક ઉચ્ચારત્રો અલખની મઢીઓમાં.