પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૦૩
 



પિતાજી ! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ :
ટ્‍હૌકે છે કોકિલા, એવાં ટ્‍હૌકે છે સ્મરણો, અહા !

આંબાની ડાળ મ્હોરી, ને આત્મા યે મુજ મ્હોરિયો;
ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ.

હું ય તે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના;
પુણ્યશ્લોક પિતા ! મન્ત્રો જપું છું પિતૃજાપના.



વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્‍હરોડ દેશમાં,
એ પ્‍હરોડે ઉગ્યા આપ આશાવાદી અરૂણ શા.

છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ;
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.

બુદ્ધિવૈભવ, ને આસ્થા, આશા, રસ, ઉદારતા :
એ દૈવી દીપમાલાનાં અન્તરે તેજ રાજતાં.

આપ અમૃતના જાયા, ધાવણે અમૃતે દીધાં:
ને તેથી અમૃતમીઠ્ઠાં આપનાં કવિતો હતાં.

ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગે ઉરે પણ
મન વાણી કર્મમાં યે, ઝરે નિત્યે ડ્‍હાપણ.