પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૦૫
 

ઘૂમતાં સૌ દેશે ત્‍હેને ધાર્યાં એક સમાધિમાં,
વળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં.

વિધિએ ભાગયરેખા શું દોરી કુંકુમકેસરે !
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે.

સ્મિતની સુન્દરતાના કપોલે અંકુરો ઉભા :
મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા.

આત્માનું તેજ વીંધીને રોમ રોમ, વિકાસતું,
બ્રહ્મર્ષિ ! આપને દેહે બ્રહ્મવર્ચસ્‍ વિલાસતું.

વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના,
પ્રકાશે પરમાનન્દે એવી અખંડ શાન્તિના.

આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો :
ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો.

ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા;
નવીન ગુર્જરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા.

ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં :
ત્‍હમે વર્ષા સમા વર્ષ્યા, ચન્દ્ર જેમ સીંચી સુધા.

સ્‍હવારે સ્‍હાંજરે જેવો તપે ભાનુ દિને દિને.
શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને.