પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૦૭
 

પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા;
સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા.

પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ,
પરમ્‍ ધર્મ ત્‍હમારો તે સ્વામી નારાયણ પ્રભુ.

દેશીઓમાં વશ્યો દેશી થઈ, ત્‍હેમાં લીધો રસ,
પરમ્‍ મિત્ર ત્‍હમારો જ તે મહાભાવ ફાર્બસ.

છે ન્હાના ભાઈ હિન્દુના, ઈસ્લામી ખ્રીસ્તી પારસી,
સૌ શું સ્નેહ દીધો-લીધો, હૈડે હૈડાં હસી હસી.

સહસ્ત્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી,
લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી.

સિન્ધુ પ્રત્યે વહે જેવી ઉર્મિઓ નદીઓ તણી,
લોકના હેતનાં પૂર વ્હેતાં ત્‍હેવાં તમો ભણી.

સારપ આશોષો વ્હોરી જનોમાં શુભ નામના,
સંચર્યા લઈ સદ્‍ભાવો આપ અક્ષરધામમાં.

હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં,
આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં.

આપે આયુષ્યમધ્યાહ્‍ન ગાળિયો પ્રભુકાર્યમાં;
અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા.