પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૨૧
 

આ દેશમાંથી સંન્યસ્તાશ્રમ નાશ પામ્યો છે: જનક વિદેહીનું ગૃહસ્થસંન્યાસીનું યે આદર્શ જ્ઞાનપોથીઓમાં જ પ્રકાશી રહ્યું છે, સંસારનાં શિખરો ઉપર નથી ઝળહળતું. હિન્દનો વર્તમાન ઇતિહાસ કે છેલ્લાં શીત્તેર વર્ષોની હિન્દની સંન્યસ્તકથા જાણ્યા-વિચાર્યા વિનાની એ શંકા છે. 'અનુભવીએ એકલું આનન્દમાં રહેવું રે' એમ સદાસર્વદા પરમાનન્દમાં જ વિહરતા શ્રી રામકૃષ્ણ પરમહંસ, આર્યોના પ્રાચીન આર્યત્વની તુમુલનાદવન્તી વેદગર્જના ગજવતા મહર્ષિ દયાનન્દ સરસ્વતી, એ આર્યત્વનો સનાતન સન્દેશ સમગ્ર વિશ્વની ધર્મમહાસભામાં જગતને ઝીલાવતા સ્વામી વિવેકાનન્દ, પરમ અદ્વૈતનો મન્ત્રોચ્ચાર અનુભવતા ને ઉચ્ચારતા સ્વામી રામતીર્થ, આર્યોની ગુરુકુલભાવનાને સંજીવિની છાંટી સજીવનકર્તા કુલપતિ સ્વામી શ્રદ્ધાનંદજી: છેલ્લાં શીત્તેર વર્ષોમાં આવા સમર્થ મહાસંન્યાસીઓની પરંપરા જે મહાભાગ દેશમાં જન્મી છે એ પુણ્યભૂમિમાંથી સંન્યસ્તાશ્રમ અસ્ત પામ્યો છે કહેનારને વર્તમાન ઇતિહાસની આંખ જ નથી. સાધુવર કેશવચન્દ્ર સેન ને મહાત્મા મોહનદાસ ગાંધી જેવા ગૃહસ્થસંન્યાસીઓની ભૂમિમાં આજે યે જનક વિદેહીનું જીવન્મુક્તોનું આદર્શ ને જીવન્મુક્તિની પરમ ભાવના ધર્મગ્રન્થોમાં જ કેવળ નથી પ્રકાશતી, પણ સંસારનાં સિંહાસનોમાં યે ઝળહળે છે. ભરતખંડનાં ભાગ્ય હજી સદન્તરનાં ભૂંસાયા નથી, શકુન્તલાના મહાપરાક્રમી પુત્રનાં પુણ્યો હજી સકલ પરવાર્યાં નથી. પૃથ્વીના કોઈ પણ દેશને કે ઇતિહાસના કોઈ પણ યુગને શોભાવે એવો સંન્યાસ,