પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૨૩
 

જલ ઉપર કિરણ રમતાં;
રૂપાની રેખાઓ દોરતાં,
હસી હસી મીટ મટમટાવતાં,
ને ઉડી ઉડી જતાં રહેતાં.
સાગરનો વિશાલ પલવટ
મધ્યાહ્નમાં પલપલતો હતો.

ઋતુ વર્ષાની હતી.
ને વર્ષાની તે શરદ્‌મંજરી હતી.
કિનારા લીલા ને પ્રસન્ન હતા.
ધરા આંખ ઠારતી.
વિધિનું ચીતરેલ ચિત્ર હોય.
સૃષ્ટિ ત્‍હેવી કદી સ્થિર ભાસતી.
કાલે મેઘ વરસી ગયો હતો :
આજ પદાર્થો ઉપર જલનો રંગ ચમકતો.
ભીની તેજસ્વિની લીલાશ
દિશદિશમાં પ્રસન્નતાથી પ્રકાશતી.
આછાં તેજ અને અન્ધકાર
પાંદડાંમાં સન્તાકૂકડી રમતાં.

આઘા સાગર ઉપરથી
શીતલ અનિલ આવતા.
સૃજનને સૂર્ય ઉષ્મા દેતો,
અગ્નિને અનિલ આવરી લેતા.