પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ચિત્રદર્શનો
 

સકલ સૃજનઅવકાશ ભરી
ઉષ્મા ને શીતળતાની ઉર્મિઓ ઉછળતી.

ગરૂડના માળા જેવી
અન્તરિક્ષે એક આરસની અટારી લટકતી.
મહીં આરસના પાટ માંડેલા હતા.
ભ્રકુટિકોતરેલ કમાન નીચે
નમેલી રસભર વેલી સમી
એક યૌવના ઝૂકેલી હતી.
તુલસીના છોડ સરીખડા આશપાશ
સખીઓ શા પડછાયા રમતા.
ઉપર દ્રાક્ષનો ઝૂમખો ઝઝૂમતો.
સુન્દરીનાં સુન્દર નયનો
સાગરના ઓઘ ઓળંગતાં.
ગુલાબની પાંદડીઓ જેવાં ચરણ
આરસમાં ગુલાબ પાડતાં.
જમણા કરમાં મોગરાની માળા હતી.
સુકુમાર પ્રભાતરંગી સાળુમાંથી
અમૃતના સરોવર સરખો દેહ
અને તેજસ્વી કરનો કમલદંડ
હાથેળીનું પુષ્પ પ્રફુલ્લી આપવા આવતા.
અંગે અનંગની ભસ્મ ચોળી હતી.
મુખડે કવિઓની કવિતા પ્રકાશતી.
કીકીમાં સ્વપ્ન સ્ફુરતાં.