પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચ દીઓળા પરસાળ,
એક નર દો ઘોડા હાથ,
એક નર નહિ ગંધ્રવ જસો
એ આવ્યા, એને ઉત્તર કસો!

વાંચીને પદમાવંતીનું હૈયું હાંફવા મંડ્યું. સમજી કે જેની વાટ જોતી હતી એ પરોણા આવી પહોંચ્યા.

હવે જવાબ શી રીતે કહેવડાવવો? આ ચાંપલી ઓછું પાત્ર છે. જાણી જશે તો બદનામ કરશે. માટે એ બીવે અને ઓલ્યા સમજી જાય એવી સમસ્યા કરું.

થાળમાં કંકુ-કેસરના થાપા ભરીને કુંવરીએ ચાંપલીને બેય હાથે અડબોત મારી. કંકુના આંગળાં છપાઈ ગયાં. ચાંપલી રોતી રોતી ઘેર આવીને કકળી ઊઠી: "ચૂલામાં જાય તમારી કરામત, પીટ્યાઓ!”

રાજા બોલ્યાં કે "મનસાગરા, મંડો ભાગવા. આ તો આપણે ઘર ભૂલ્યા.” મનસાગરે તો ચાંપલીને મૂઠી ભરીને સોનામહોર દીધી. એટલે ચાંપલી પાછી રાજી રાજી થઈ ગઈ.

રાજા પણ છક થઈ ગયો: "અરે મનસાગરા, આપણને ઘાણીમાં ઘાલી તેલ કાઢશે હો!”

મનસાગરો કહે: "મહારાજ, સવામણની તળાઈમાં સૂઈ રહો. તમારું રૂંવાડું ય ફરકે નહીં. કાલ પદમાવતી સાથે તમારો હથેવાળો થાય. પછી શું? આમ જુઓ સમસ્યા.”

રાજાએ કંકુનાં આંગળાંની છાપ ચાંપલીને ગાલે જોઈ. કંકુનો મર્મ રાજાને સમજાયો.

રાજકુંવરીએ માવતરને સંદેશા મોકલ્યા કે 'મારો સ્વયંવર આદરો.' આજ આટલે આટલે વરસે દીકરીએ પરણવાની હા પાડી તેથી રાજારાણીએ તો તાબડતોબ તૈયારી કરી. સ્વયંવર રચાણો. અલકમલકના રાજા આવ્યા. પદમાવતીએ તો રાજા મગરપ્રતાપને વરમાળા આરોપી.

હાથી, ઘોડા, મ્યાના અને વેલ્યોની પહેરામણી લઈને પદમાવતી પોતાના ભરથાર સાથે પાંચાળમાં સિધાવ્યાં.

રસ્તે નારંગીના તંબૂ જેવો એક લેલુંબ વડલો આવ્યો. એ વડલાને છાંયડે રાજાના રસાલાએ રાતવાસો રહેવા મુકામ નાખ્યા. રાવટીમાં રાજા અને રાણી પોઢ્યાં છે અને મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે પોતાના ધણીની ચોકી કરે છે.

અધરાતનો ગજર ભાંગ્યો છે. મનસાગરો ચંદ્રમાના ઝોકાર અજવાળાં જોતો જોતો જાગે છે. તે વખતે વડલાની ઘટામાં બે પંખીએ વાતો કરવા માંડી -

'અરે હે ગરુડ પંખણી!'

'શું કહો છો ગરુડ પંખી?'

'આપણે આંગણે આજ રાજારાણી મહેમાન છે, પણ આવતી કાલે એનું રાજ રાંડી પડશે!'