પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બ્રાહ્મણના બાળકના છઠ્ઠીના લેખ લખવા."

"માડી, શું શું લખ્યું?"

"બાપ! કહેવરાવવું રે'વા દે."

"કહો નહિ ત્યાં સુધી ડગલુંય કેમ ભરવા દઉં? મારી ચોકી છે."

"વિક્રમ, બીજા લેખ તો રૂડા, કંકુવરણા; પણ આયખું અઢાર જ વરસનું. ભરજોબનમાં જ્યારે આ છોકરો ચોરીએ ચડી ચાર મંગળ વર્તતો હશે, તે ઘડીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે."

સાંભળીને વિક્રમ તો થડક થ‌ઈ ગયો. "અરે હે વિધાત્રી! બ્રાહ્મણની દીકરીને ચોરીમાંથી જ રંડાપો મળશે? ઉગારવાનો કાંઈ ઉપાય?"

"કાંઈ ઉપાય ને કાંઈ બુપાય!" એટલું બોલીને વિધાતા તો હાલવા મંડી.

ત્યારે વિક્રમે વાંસેથી પડકાર્યું કે, "સાંભળતી જા, વિધાત્રી! આજ મારા ચોકીપહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગ‌ઈ છો, પણ તારાં લખ્યાં મિથ્યા કરું તે દી હા પાડજે. હું એને છાંયડે કાંઈ મફતનો નથી બેઠો."

વિધાતા તો હાલી ગ‌ઈ. સવાર પડ્યું ને વિક્રમ સાબદો થયો; શીખ લેતો લેતો કહેતો ગયો કે, "હે ગોર, દીકરાને પરણાવો ત્યારે ઉજેણીમાં કંકોતરી મોકલજો. મોસાળું લ‌ઈને હાજર થ‌ઈશ."

અઢાર વરસ તો પાંપણના પલકારા ભેળાં જ જાણે પૂરાં થ‌ઈ ગયાં. દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો.

"હે મહારાજ, કંકોતરી લ‌ઈને આવ્યો છું."

"તૈયાર છું, હે ગોર, હાજર છું. હાં, થાય નગારે ઘાવ. સેના સજ્જ કરો. ભાણેજની જાનમાં જાવું છે."

સેના ઊપડી : જાણે દરિયાનાં મોજાં હાલ્યાં.

"ખબરદાર! ઉઘાડી તરવારોના ઓઘા કરીને મંડપને વીંટી લ્યો. બંદૂકમાં ગલોલીઓ ધરબી ધરબી સળગતી જામગરીએ ગામને ઝાંપે ઊભા રહો. સાવજ આવે તો વીંધી નાખજો."

ગામમાં તો સૂ...નસાન! ઉજેણીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારુ થ‌ઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે! આ...હા!

ઉઘાડું ખડગ ઉગામીને રાજા માંડવામાં ઊભો છે ત્યાં તો સાદ પડ્યો : 'સમો વરતે સાવધાન!'

એક ફેરો - બે ફેરા - ત્રણ ફેરા.

અરે ભાર છે કોનો? હમણે ચોથું મંગળ વર્તી જાય, એટલે વિધાતાના લેખ ખોટા!

પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હુ-હુ-હુ-હુ કરતો છલંગ મારતો, પૂછડું