કસુંબો હરામ છે.'
વિક્રમે અફીણ લેવું છોડી દીધું. પગ ઘસડતો ઘસડતો ચાલ્યો. પેટ વધી વધીને ગોળા જેવડું થયું. હાથપગ ગળી ગયા. આંખો ઊંડી જતી રહી. ઓળખ્યો ઓળખાય જ નહિ. પેટમાં વેદનાનો પાર નથી.
શૂધબૂધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાંટિયા ઢસરડે છે. એમાં શું બન્યું?
નગરીના રાજાને બે કુંવરી. બેયને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે, "બોલો બેટા, તમે આપકરમણ કે બાપકરમણ?"
મોટી બોલી કે, "હું તો બાપકરમણ, બાપુ!"
નાની કહે કે, "બાપુ, સંસારમાં સહુ માનવી પોતાનાં કર્યાં જ પામે છે. કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસીયે ન શકે, તેમ ઉમેરીયે ન શકે. માટે હું તો આપકરમણ."
"એ...મ છોકરી! આવડો બધો તારો મદ! હાં, કોઈ છે કે?"
કે' "એક કહેતાં એકવીસ."
"જાઓ, નાનેરી કુંવરીને રથમાં બેસારીને કાલ પ્રભાતને પહોર નગરીની બજારમાં જાઓ. કોઈ બાડો, બોબડો, અનાથ, અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દ્યો. પછી જોઈએ એનું આપકર્મીપણું."
ગયા બજારે. ત્યાં તો હાટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો. ડોળા ચડી ગયા છે. થોડો થોડો જીવ રહ્યો છે. ઘડિયાં લગન લઈને નાનેરી કુંવરીને એની વેરે પરણાવી.
સાત પેઢીની જૂની વેલડી દીધી. ત્રણ ગાઉ હાલીને ઊભા થઈ રહે એવા બે માળવિયા બળધિયા દીધા. એક બાનડી દીધી. વેલ્યમાં બેસીને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી.
બપોર થયાં ત્યાં વડલાને છાંયે વેલ્ય છોડી. શૂધબૂધ વગરના રાજાને ખોળામાં સુવાડીને રાજકુંવરી બેઠી છે. બાનડી જંપી ગઈ છે. રાજકુંવરી પોતાના રોગિયલ સ્વામીને શરીરે સુંવાળો સુંવાળો હાથ ફેરવે છે. થોડીક વારે સ્વામીનાથને નીચે સુવાડીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ.
વાંસેથી શું થયું?
વીર વિક્રમ પોઢ્યા હતા. મોઢું ફાટેલું હતું. ધીમે ધીમે એના પેટ માંયલો સિંદૂરિયો હવા ખાવા બહાર નીકળ્યો. રાજાના મોઢાની બહાર ડોકું કાઢીને જીભના લબકારા કરતો કરતો આમતેમ જુએ છે. ત્યાં તો અવાજ થયો કે
"હે મૂઆ નુગરા! હે ભરફોડિયા!"
ચમકીને સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે: "હે કજાત! તું નવ કુળ માંયલો નહિ."
સિંદૂરિયો ફૂંફાડીને જવાબ વાળે છે : "એલા કેમ ગાળો દઈ રહ્યો છો?"