પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ કહીને હરણિયું કૂદે એમ છલંગ મારતી રાજકુંવરી વીરાજીની વાંસે ચડી બેઠી, વચ્ચે કટાર ઝાલી. અને બે ય જણાને ઉપાડીને ઝકાક ! બકાક ! ધમ ! ખરરર ! કરતો જાતવંત ઘોડો ચાલી નીકળ્યો.

રસ્તામાં બે રાત રોકાઈને ત્રીજે દિવસે પહોર દી ચડ્યે ઉજેણીના પાદરનાં ઝાડવાં જોયાં. એમ કરતાં પાસે પહોંચ્યાં ત્યાં એક ફૂલવાડી દીઠી. નારંગીના તંબૂ જેવો લેલુંબ વડલો : અને વડલાની ઘટામાં મોટો દાયરો બેઠેલો.

વીરાજીએ માન્યું કે નક્કી રાજા વિક્રમનો દાયરો.

વીરાજી બોલ્યો : "હે સ્ત્રી ! ઊતરો હેથાં. તમને કાંઈ બેલાડ બેસારીને દાયરામાં નહિ જવાય."

"હે રાજકુંવર ! હું ક્યાં જાઉં ?"

"આ નેરામાં બેસો. હું હમણાં તમારી સગવડ કરીને તેડવા આવું છું."

"રજપૂત ! ભૂલી જાવ નહિ હો ! ગમે તેમ તોય હું અબળા છું. એકલી છું. અજવાળી તોય રાત કહેવાય હો !"

સાંભળ્યું ન સાંભળ્યું, અને વીરાજીએ તો દાયરાને માથે ઘોડો હાંક્યો. અને એને જોઈને એક આદમી દાયરામાંથી ઊઠીને ચાલ્યો ગયો.

"ઓહોહોહો ! વીરાજીભાઈ આવ્યા, બાપ આવ્યા. વા‘લા રાગા આવ્યા." એમ કહીને દાયરાના આદમી બાથ લઈ લઈને મળ્યા.

"વીરાજીભાઈ ! રાજા વિક્રમ તમારી વાટ જોઈને અબઘડીએ જ પધાર્યા. ચાલો હવે અમે તમને તેડી જઈએ. કોઈ બીજું હાર્યે છે ?"

નીચું જોઈને વીરાજી બોલ્યા : "હા ઠકરાણાં હાર્યે છે. ઓલ્યા નેરામાં...."

"ઠીક ઠીક, ગોર ! તમે જાઓ, રથ જોડીને તેડી આવો આપણા બોનને. ઉતારામાં રાખજો. અમે ગામમાં વીરાજીભાઈનું મુકામ નક્કી કરીને ખબર દઈએ છીએ."

એમ કહીને બે આદમી વીરાજીને તેડી નગરમાં ચાલ્યા. ઉજેણીની બજારમાં તો માણસે માણસ ભિંસાઈ મરે એવો મનખો મળ્યો છે. હૈયેહૈયું દળાય છે. મેદનીમાં જઈને ઓલ્યા આદમીએ વીરાજીનો હાથ મેલી દીધો. ’અરે ભાઈ ! ક્યાં ગયા !’ કરતા વીરાજી ગોતતા રહ્યા. પણ ભાઈ કેવા ! ને વાત કેવી !

મેદનીને વીંધીને માંડમાંડ વીરાજી વિક્રમ રાજાના દરબારમાં પહોંચ્યા. શરમના માર્યા કંઈ વાત કીધી નહિ. અને રાત પડી ત્યાં બધુંય ભૂલી ગયા.

આંહી શું થયું ? ગોરનો વેશ કાઢીને વેલડૂં લઈ આદમી આવ્યો. કુંવરીને ઉપાડી પડખીની હવેલીમાં તેડી ગયો. સાતમે મજલે ચઢાવી તાળું વાંસી દીધું.

જાળિયામાંથી ડોકાઈ ડોકાઈને કુંવરી નજર કરે છે. પણ કોઈ માનવી ન મળે. નીચે ઊતરવા જાય તો કમાડને તાળું ! કાળો કાગડોયે દેખાતો નથી. આ શું કૌતુક !

સાંજ પડી. મેડી નીચે જાણે લગનનાં ગીત ગવાય છે. કોણ જાણે કોઈક પરણે છે.