પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બરાબર એ જ ટાણે આઘે આઘે દરિયાની અંદર, ફૂલસોદાગરના વહાણ હાલ્યાં જાતાં હતાં, તેમાં ફૂલસોદાગરને ગળે પહેરેલી માળા સરકી ગઈ. એકસો ને આઠ શંખલા દરિયાનાં નીરમાં ડૂબી ગયા!

[૭]

રાતનો છેલ્લો પહોર છે. ચોકીદાર ઊંઘે છે. ચૌદ ચોરને રવાના કરીને ગાંગલી અને કઠિયારણ રાજમહેલમાં પેઠાં. રાણી-વાસમાં રાણીને મુવેલો દીકરો અવતર્યો છે. રાણી યે મરી ગયેલી છે. કોઈને ખબર નથી.

કાખલી કૂટતી કૂટતી ગાંગલી બોલી: "કઠિયારણ, એલી કઠિયારણ, ઝટ કર! તું રાણી, ને આ છોકરો રાજકુંવર! ભારી લાગ આવ્યો."

બેય જણીઓએ રાણીને અને મરેલા રાજકુંવરને બાંધી નદીમાં ફગાવી દીધાં. રાણીના પોશાક પહેરીને કઠિયારણ સૂતી. પડખામાં કુંવરને પોઢાડ્યો.

ગાંગલી બોલી ઊઠી: "વધામણી! રાજા, વધામણી! રાણીજીએ કુંવર જણ્યો."

વાહ કુંવર! વાહ રૂપ! વાહ રાજતેજ! રાજમાં ઢોલનગારાં ધ્રસકવા માંડ્યાં.

"પણ અરે બાઈ! રાણીજીનું મોઢું કેમ બદલી ગયું?"

ગાંગલી બોલી: "એ તો સુવાવડને લીધે. રાણીજીનાં રૂપ તો કુંવરની કાયામાં ઊતરી ગયાં."

"સાચી વાત! સાચી વાત!"

માણસોએ તો માની લીધું. કઠિયારણ રાણી થઈ બેઠી. કુંવરનું નામ પડ્યું રાજતેજ. રાજતેજ મોટો થાય છે. છીંક ખાય ત્યાં તો મોતી ખરે છે. ભણી ગણી બાજંદો થાય છે. રાજકચેરીમાં આવે-જાય છે.

[૮]

દરિયામાં જે દી ફૂલસોદાગરના ગળામાંથી શંખલાંની માળા પડી ગઈ, તે દીથી સોદાગર એની ફૂલવંતીને વીસર્યો છે. પગ ઉપર પગ ચડાવી વહાણની અગાસીએ બેઠો બેઠો દેશદેશાવર રોજગાર કરે છે. એને ઘરબાર સાંભરતાં નથી.

શંખલાની માળા ડૂબવા મંડી. એકસો આઠ શંખલાંને ફૂલવંતીના આંસુડાંમાં ભિંજાયે ઘણાં વરસ વીતેલાં. આજ વળી ખારાં નીર ખાધાં. એટલે માળાનો ભાર વધ્યો. ડૂબતી ડૂબતી માળા તો તળિયે પહોંચી.

તળિયે નીલમની એક રૂપાળી શિલા. અને શિલા ઉપર બેઠી બેઠી હંસી એના ચાર ઈંડા સેવે. શંખ દેખીને હંસી ચણવા જાય ત્યાં તો આખી માળા દેખી. ઈંડાની વચ્ચે એણે તો માળાને ગોઠવી દીધી.

બાર બાર વરસે હંસીના ઈંડા ઊઘડ્યાં. અંદરથી ચાર બચ્ચાં નીકળ્યાં. સમુદ્રની