પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો હાથ થરથરે. હું એને ઝેર પાઇને મારીશ."

રાજકુમારી આ વાત સાભળી ગઇ. એ તો દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરનું દેવળ હતું. રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી.

ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું બહુ વિકરાળ. માથે મોટા મોટા વાળ. લાંબી દાઢી અને રાતી રાતી આંખો. રાજકુમારી તો દોડીને એને વળગી પડી ને બોલી: "ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ!"

એ પુરુષ પૂછે છે કે "અરે છોડી, તું કોણ છો? તું મને ઓળખતી નથી? હું તો આ જંગલનો બહારવટીયો છું. તને મારી બીક નથી લાગતી."

રાજકુમારી બોલી: "ના! તું ખોટું બોલે છે, તું તો મારો ભૈરવભાઈ. પાંચ વરસ પહેલાં અમે ભાઇ-બહેન તારા ખોળામાં રમતાં તે તું ભૂલી ગયો, ભૈરવભાઈ?"

ભૈરવ ગળગળો થઇ ગયો. એણે પૂછ્યું: "બહેન, ભાઈ કયાં છે? એને કેમ છે?"

રાજકુમારી રોઇ પડી ને બોલી કે "ભાઇને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે."

બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો. રાત પડી ત્યાં રાજકુમારને લઇ વજીર આવી પહોંચ્યો.

વજીર કહે: "રાજકુંવર, લ્યો આ શરબત પી જાવ."

રાજકુંવર બોલ્યો: "વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે. છતાં લાવો પી જાઉં."

એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે, ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું. જમીન પર એ પડી ગયો. મરતાં મરતાં બોલ્યો કે "રાજકુંવર, અહીંથી પરદેશ ભાગી જજો; નહિ તો તમારો પ્રાણ જશે."