પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણાં પરદેશ ઊપડ્યાં. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું. બહેન-ભાઇના પગમાં કાંટા વાગતા જાય છે, શરીરે ઉઝરડા પડે છે, ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યાં જાય છે.

એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે. ભૈરવભાઈ પાસે એક તલવાર. પણ એકલો કેટલાં વરુને મારી શકે? પછી એણે કહ્યું: "તમે ભાઇ-બહેન ભાગો. મને એકલાને મરવા દો."

પોતાની તલવારથી ભૈરવે પોતાનાં શરીરમાંથી માંસના લોચા કાપ્યા, કાપી કાપીને વરુઓનાં મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય, ત્યાં ત્રણે જણાં આઘાં આઘાં નીકળી જાય. વળી વરુઓ દોડતાં દોડતાં આવી પહોંચે. ફરી વાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવરાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયાં.

સવાર પડ્યું. એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું. પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું તે કેમેય ચડે નહિ. રાજાને બ્રાહ્મણો કહે કે 'કોઇ બત્રીસલક્ષણા માણસનો ભોગ આપો.'

રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહે: 'આ જ બત્રીસલક્ષણો માણસ, આપી દ્યો એનો ભોગ.'

રાજકુંવર કહે: 'મને મારો છો શા સારુ? જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઇશ." એમ કહીને એણે દોરી ખેંચી. ઈંડું વાકું હતું તે સીધું થઇને ચડી ગયું. માણસો વાહ વાહ કરવા લાગ્યાં.

ભાઇ-બહેન ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં બીજી એક નગરી આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થતો હતો. દેશ-દેશના રાજાઓઓ ભેગા થયા હતા.