પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેમ પારો ચડાવેલો તાંબાનો સિક્કો રૂપિયો નથી એમ માલૂમ પડતાં તેની કંઈ કિંમત રહેતી નથી, એટલું જ નહીં પણ એ ખોટા સિકકાનો માલિક સજાપાત્ર થાય છે, તેમ ખોટા કસમ ખાનારની પણ કિંમત રહેતી નથી, એટલું જ નહીં પણ તે આ લોક અને પરલોક બન્નેમાં સજાને પાત્ર થાય છે. આવા કસમ ખાવાનું શેઠ હાજી હબીબ સૂચવે છે. આ સભામાં એવો કોઈ નથી કે જે બાળક અથવા અણસમજુ ગણાય. તમે બધા પીઢ છો, દુનિયા જોયેલી છે, ઘણાઓ તો પ્રતિનિધિ છો, ઘણાએ વત્તાઓછા પ્રમાણમાં જવાબદારી ભોગવી છે, એટલે આ સભામાંનો એક પણ માણસ “સમજ્યા વિના મેં પ્રતિજ્ઞા લીધી” એમ કહીને કદી છટકી નહીં શકે.

'હું જાણું છું કે પ્રતિજ્ઞાઓ, વ્રતો વગેરે કોઈ ભારે પ્રસંગે જ લેવાય છે અને લેવાવાં જોઈએ. હાલતાંચાલતાં પ્રતિજ્ઞા લેનાર માણસ જરૂર પાછો પડે. પણ જો આપણા સમાજજીવનમાં આ મુલકમાં પ્રતિજ્ઞાને લાયક કોઈ પણ પ્રસંગ હું કલ્પી શકું તો તે જરૂર આ પ્રસંગ છે. ઘણી સંભાળપૂર્વક અને ડરી ડરીને આવાં પગલાં ભરવાં એ ડહાપણ છે. પણ ડર અને સંભાળની પણ હદ હોય છે. એ હદે આપણે પહોંચી ગયા છીએ. સરકારે સભ્યતાની મર્યાદા મૂકી દીધી છે. આપણી ચોમેર જ્યારે તેણે દાવાનળ સળગાવી મૂકેલો છે ત્યારે પણ આપણે યાહોમ ન કરીએ અને વિમાસણમાં પડી રહીએ તો આપણે નાલાયક અને નામર્દ ઠરીએ. એટલે આ અવસર કસમ લેવાનો છે એ વિશે તો જરાયે શંકા નથી. પણ એ કસમ લેવાની આપણી શક્તિ છે કે નહીં તે તો દરેક માણસે પોતાને સારુ વિચારી લેવાનું રહ્યું છે. આવા ઠરાવ ઝાઝે મતે પસાર નથી થતા. જેટલા માણસો કસમ ખાય તેટલા જ તે કસમથી બંધાય છે. આવા કસમ દેખાવને સારુ નથી ખવાતા. તેની અસર અહીંની સરકાર, વડી સરકાર કે હિંદી સરકાર ઉપર કેવી પડશે એનો ખ્યાલ કોઈ મુદ્દલ ન કરે. દરેકે પોતાના હૃદય ઉપર હાથ મૂકીને પોતાનું હૃદય જ તપાસવું રહ્યું. અને એમ કર્યા પછી જે એનો અંતરાત્મા જવાબ આપે કે કસમ લેવાની શક્તિ છે, તો જ કસમ લેવા, અને તે જ ફળે.