પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં સુધી આ લડતનો એક જ અંત સમજવો; એટલે કે તેમાં આપણી જીત જ છે.

“હવે મારી અંગત જવાબદારી વિશે બે શબ્દ. હું જોકે પ્રતિજ્ઞા લેવામાં રહેલાં જોખમો બતાવી રહ્યો છું છતાં તમને સોગન લેવા પ્રેરી પણ રહ્યો છું. તેમાં હું મારી જવાબદારી બરાબર સમજું છું. એવું પણ બને કે આજના આવેશથી અથવા ગુસ્સામાં આવી જઈને આ સભાનો મોટો ભાગ પ્રતિજ્ઞા લે, પણ ભીડને સમયે નિર્બળ નીવડે અને માત્ર મૂઠીભર જ છેવટનો તાપ સહન કરી શકે એવા રહે તોપણ મારા જેવાને સારુ તો એક જ રસ્તો રહ્યો છે : મરી છૂટવું પણ કાયદાને વશ ન થવું, હું તો એમ માનું છું કે ધારો કે એવું બને – તેવું બનવાનો જરાયે સંભવ નથી જ પણ માની લઈએ – કે સહુ પડયા અને હું એકલો જ રહ્યો, તોપણ પ્રતિજ્ઞાનો ભંગ મારાથી ન જ થાય એમ મારી ખાતરી છે. આ કહેવાનો હેતુ સમજી લેશો. આ મગરૂરીની વાત નથી, પણ મુખ્યત્વે કરીને આ માંચડા ઉપર બેઠેલા આગેવાનોને સાવધાન કરવાની વાત છે. મારો દાખલો લઈ અાગેવાનોને હું વિનયપૂર્વક કહેવા ઈચ્છું છું કે તમે, એક જ બાકી રહી જાઓ તોપણ મક્કમ રહેવાનો નિશ્ચય કે તેમ કરવાની શક્તિ ન હોય તો, તમે પોતે પ્રતિજ્ઞા ન લેશો, એટલું જ નહીં, પણ લોકોની સમક્ષ આ ઠરાવ મૂકી પ્રતિજ્ઞા લેવામાં આવે તે પહેલાં તમારો વિરોધ લોકોને જાહેર કરજો અને તમે પોતે તમારી સંમતિ ન આપશો. અા પ્રતિજ્ઞા જોકે આપણે બધા સાથે મળીને લેવા ઈચ્છીએ છીએ, તોપણ કોઈ એવો અર્થ તો ન જ કરે કે એક અથવા ઘણા પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે તો બીજાઓ સહેજે બંધનમુક્ત થઈ શકે છે. સૌ પોતપોતાની જવાબદારી પૂરી સમજીને સ્વતંત્ર રીતે પ્રતિજ્ઞા લે અને બીજા ગમે તેમ કરે તે છતાં પોતે તો મરતાં સુધી પણ તેનું પાલન કરશે એમ સમજીને જ લે.”

આવા પ્રકારનું બોલીને હું બેસી ગયો. લોકોએ અતિશય શાંતિથી શબ્દેશબ્દ સાંભળ્યો, બીજા આગેવાનો પણ બોલ્યા. બધાએ પોતાની જવાબદારી અને સાંભળનારની જવાબદારી ઉપર વિવેચન કર્યું. પ્રમુખ