પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. મારો તો આવો અપવાદરહિત અનુભવ છે, અને મને લાગે છે કે એવે જ સમયે હું હંમેશાં બધી આંતરિક સંપત્તિ વધારે મેળવી શકયો છું. લડતનું શુદ્ધ સ્વરૂપ જે લોકો લડતાં લડતાં સમજી શકયા ન હતા તે સમાધાનીને અંગે અને સમાધાની પછી ખૂબ સમજ્યા. ખરો વિરોધ તો પઠાણોથી આગળ ન ગયો.

આમ કરતાં બેત્રણ માસમાં એશિયાટિક ઑફિસ મરજિયાત પરવાના કાઢવા તૈયાર થઈ ગઈ. પરવાનાનું રૂપ તદ્દન બદલાયું હતું. તે ઘડવામાં સત્યાગ્રહી મંડળની સાથે મસલત કરવામાં આવી હતી.

તા. ૧૦-ર -૧૯૦૮ની સવારે અમે કેટલાક જણ પરવાના કઢાવવા સારુ તૈયાર થયા. લોકોને ખૂબ સમજાવવામાં આવ્યું હતું કે પરવાના કઢાવવાનું કામ કોમે ઝપાટાબંધ ઉકેલી નાખવું. અને પ્રથમ દિવસે આગેવાનોએ જ સૌ પહેલા પરવાના કઢાવી લેવા એવી પણ મસલત હતી. તેમાં હેતુ ભડક ભાંગવાનો, એશિયાટિક અમલદારો પોતાનું કામ વિવેકથી કરે છે કે નહીં તે પણ તપાસવાનો અને એ કામની બીજી રીતે દેખરેખ રાખવાનો હતો. મારી અૉફિસ તે જ સત્યાગ્રહની પણ ઑફિસ હતી. ત્યાં હું પહોંચ્યો તેવા જ અૉફિસની દીવાલની બહાર મીર આલમ અને તેના સાથીઓને મેં જોયા.

મીરઆલમ મારો જૂનો અસીલ હતો, પોતાનાં બધાં કામોમાં સલાહ લેતો. ઘણા પઠાણો ટ્રાન્સવાલમાં ઘાસનાં કે વાળાનાં ગાદલાં બનાવવાનું કામ કરતા. તેમાં સારો ફાયદો મેળવતા. આ ગાદલાંઓ મજૂરોની મારફતે બનાવડાવે અને પછી નફો ખાઈને વેચે. મીરઆલમ પણ એવું કામ કરતો. તે છ ફૂટથી વધારે ઊંચો હશે. વિશાળ કદનો બેવડા બાંધાનો હતો. આજે પહેલી જ વાર મેં મીરઆલમને ઑફિસની અંદરને બદલે બહાર જોયો, અને અમારી અાંખો મળ્યા છતાં તેણે પહેલી જ વાર સલામ ભરવાનું મોકૂફ રાખ્યું. પણ મેં સલામ ભરી એટલે એણે વાળી. મારા રિવાજ મુજબ મેં પૂછયું, "કૈસે હો ?" "મને એવો આભાસ છે કે "અચ્છા હૈ" એવો તેણે જવાબ આપ્યો. પણ આજે તેનો ચહેરો હંમેશની માફક ખુશનુમા ન હતો. તેની આંખમાં ગુસ્સો હતો એમ હું જોઈ ગયો. મેં મારા મનમાં તેની નોંધ લીધી. કંઈક થવાનું છે એમ પણ ધાર્યું. હું