પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને કંઈ ખબર ન હતી. મિ. કૅલનબૅકે કહ્યું, "હાલ તો મહિનાના છ પાઉન્ડ આપજે.”' મને તો એ કબૂલ હોય જ.

મિસ શ્લેશિનના ટીખળનો અનુભવ તો મને તરત જ થયો. પણ એક મહિનાની અંદર તો મિસ શ્લેશિને જ મને વશ કરી લીધો. રાત અને દહાડો ગમે ત્યારે કામ આપે. તેને સારુ કંઈ અશકય કે મુશ્કેલ તો મળે જ નહીં. આ વખતે તેની ઉંમર સોળ વર્ષની હતી. અસીલોનાં અને સત્યાગ્રહીઓનાં મન પણ પોતાની નિખાલસતા અને સેવાની તત્પરતાથી તેણે હરી લીધાં. અૉફિસની અને લડતની નીતિની એ કુમારિકા ચોકીદાર અને રખેવાળ થઈ પડી. કોઈ પણ કાર્યની નીતિને વિશે તેને જરાયે શંકા આવે એટલે અતિશય છૂટથી મારી સાથે વાદવિવાદ કરે, અને હું જ્યાં સુધી તે વસ્તુની નીતિને વિશે તેની ખાતરી ન કરી આપું ત્યાં સુધી તેને સંતોષ વળે જ નહીં.

જયારે બધા પકડાયા અને આગેવાનોમાં લગભગ એક કાછલિયા જ બહાર હતા તે વખતે એ બાઈએ લાખો રૂપિયાનો હિસાબ સાચવ્યો, જુદી જુદી પ્રકૃતિના માણસોની પાસેથી કામ લીધું. કાછલિયા પણ તેનો આશ્રય લે, તેની સલાહ લે. અમે બધા જેલમાં ગયા ત્યારે ડોકે 'ઈન્ડિયન ઓપીનિયન'ની કમાન હાથમાં લીધી. પણ એ ધોળા વાળવાળો અનુભવી બુજરગ 'ઈન્ડિયન ઓપીનિયન'ને સારુ લખાયેલા લેખો મિસ શ્લેશિનની પાસે પાસ કરાવે ! અને તેણે મને કહેલું, "જે મિસ શ્લેશિન ન હોત તો હું નથી જાણતો કે હું કઈ રીતે મારા કામમાં મને પોતાને પણ સંતોષ આપી શકત. તેની મદદ અને તેની સૂચનાઓનું મૂલ્ય હું આંકી શકું એમ નથી." અને ઘણી વખત તેણે સૂચવેલા સુધારાવધારા યોગ્ય જ હતા એમ ધારીને મેં કબૂલ કરેલા છે. પઠાણો, પટેલિયાઓ, ગિરમીટિયાઓ, બધી જાતના અને બધી ઉંમરના હિંદીઓ તેની આસપાસ વીંટળાઈ રહેતા, તેની સલાહ લેતા, અને તે કહે તેમ ક૨તા .

દક્ષિણ આફ્રિકામાં ઘણે ભાગે ગોરાઓ હિંદીઓ સાથે આગગાડીમાં એક જ ડબ્બામાં બેસતા નથી. ટ્રાન્સવાલમાં તો બેસવાની મનાઈ