પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અવાજથી વધાવી લીધો તેઓના હેતુ સમજ્યા વિના યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય ન થઈ શકે. પણ એટલું તો કહી શકાય કે એ ખુશાલી સભાના ઉત્સાહની સુંદર નિશાની હતી. સભાને પોતાની શક્તિનું કંઈક માપ આવ્યું હતું. સભા શરૂ થઈ. પ્રમુખે સભાને સાવધાન કરી. બધી સ્થિતિ સમજાવી, પ્રસંગને યોગ્ય ઠરાવો પસાર કર્યા. મેં જુદી જુદી સ્થિતિ ઊભી થયેલી હતી તે સ્પષ્ટ રીતે સમજાવી, અને કહ્યું, “જેઓએ પોતાના પરવાના બાળવાને સારુ આપ્યા છે તેમાંથી કોઈ પાછા લેવા ઈચ્છે તો લઈ શકે છે. પરવાના બાળવાથી જ કંઈ ગુનો થતો નથી. અને તેટલા જ કાર્યથી જેલના હોંશીલાઓને જેલ મળવાની નથી. પરવાના બાળીને તો માત્ર આપણે આપણો નિશ્ચય જાહેર કરીએ છીએ કે અમે ખૂની કાયદાને વશ થવાના નથી. અને પરવાનો બતાવવા જેટલી શક્તિ પણ અમે અમારી પાસે રાખવા ઈચ્છતા નથી. પણ જે માણસ પરવાનો બાળવાની ક્રિયામાં આજે સામેલ થાય તે બીજે જ દિવસે જઈને નવો પરવાનો કઢાવી આણે તો કોઈ તેનો હાથ ઝાલે એમ નથી. આવું કુકર્મ કરવાનો જેનો ઈરાદો હોય અથવા જેને કસોટીને વખતે પોતાની શક્તિને વિશે શંકા હોય તેણે હજુ પોતાનો પરવાનો પાછો લઈ લેવાનો સમય છે, અને તે લઈ શકે છે. અત્યારે પોતાનો પરવાનો પાછો લેનારને શરમાવાનું કારણ નથી. હું તો તેને એક પ્રકારની હિંમત પણ ગણું. પણ પાછળથી પરવાનાની નકલ કઢાવવી એમાં શરમ ને નામોશી છે અને કોમને નુકસાન છે. વળી આ વખતે કોમે એ પણ સમજી રાખવું જોઈએ કે લડત લાંબી ચાલવાનો સંભવ છે. આપણામાંના કેટલાક પડી ગયા છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે દરજજે કોમની ગાડી ખેંચનારા બાકી રહેલાઓને વધારે જોર કરવું પડશે એ દેખીતું છે. એ બધું વિચાર્યા પછી જ આજનું સાહસ આપણે કરવું એવી મારી સલાહ છે.”

મારા ભાષણ દરમ્યાન જ સભામાંથી અવાજ તો આવ્યા જ કરતા હતા – અમારે પરવાના પાછા નથી જોઈતા – એની હોળી કરો." છેવટે કોઈને વિરોધ કરવો હોય અથવા સામે થવું હોય તો તેણે ઊભા થવું એમ મેં સૂચવ્યું. કોઈ ઊભું ન થયું.