પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સભામાં મીરઆલમ પણ હાજર હતો. તેણે મને મારવામાં પોતાની ભૂલ થઈ હતી એ જાહેર કર્યું અને પોતાનો અસલ પરવાનો બાળવા આપ્યો ! તેણે મરજિયાત પરવાનો તો કઢાવ્યો જ ન હતો. મેં મીરઆલમનો હાથ પકડયો ને હર્ષથી ચાંપ્યો. મારા મનમાં તો કદી કશો રોષ ન હતો એ મેં એને ફરીથી જણાવ્યું. મીરઆલમના આ કાર્યથી સભાના હર્ષનો પાર ન રહ્યો.

કમિટીની પાસે બાળવા સારુ ર,૦૦૦ ઉપરાંત પરવાના આવી ચૂકયા હતા. તેની ગાંસડી પેલી કઢાઈમાં પધરાવી, ઉપર ઘાસતેલ રેડયું, અને મેં દીવાસળી મેલી. આખી સભા ઊભી થઈ ગઈ અને બળવાની ક્રિયા ચાલી ત્યાં સુધી તાળીઓથી મેદાનને ગજાવી મૂકયું. કેટલાક જેમણે પોતાના પરવાના હજુ પોતાની પાસે રાખી મૂકયા હતા તેનો માંચડા ઉપર વરસાદ થવા લાગ્યો, અને તે પણ પેલી કઢાઈમાં પડ્યા. હોળી સળગતાં લગી તે કેમ નહોતા આપવામાં આવ્યા, એનું કારણ પૂછતાં કોઈએ એમ જણાવ્યું કે હોળીને વખતે આપવા એ વધારે શોભે અને તેની અસર બીજાઓ ઉપર વધારે થાય એમ માનીને, બીજા કેટલાકે નિખાલસપણે કબૂલ કર્યું : "અમારી હિંમત ચાલતી ન હતી. છેલ્લી ઘડી સુધી એમ પણ હતું કે કદાચ પરવાના નયે બળે. પણ આ હોળી જોયા પછી અમારાથી રહેવાય એમ જ ન હતું. જે સૌનું થશે તે અમારું થઈ રહેશે." આવી નિખાલસતાના અનુભવો આ લડતને વિશે અનેક થયા હતા. આ સભામાં અંગ્રેજી અખબારોના રિપોર્ટરો આવ્યા હતા. તેઓની ઉપર પણ આખા દૃશ્યની બહુ અસર પડી અને તેઓએ સભાનું આબેહૂબ વર્ણન પોતપોતાનાં અખબારોમાં આપ્યું. વિલાયતના 'ડેલી મેલ'ના જોહાનિસબર્ગના ખબરપત્રીએ મજકૂર છાપાને તેનું વર્ણન મોકલ્યું. તેમાં પરવાનાની હોળીને, અમેરિકાના અંગ્રેજોએ બૉસ્ટન બંદરના દરિયામાં વિલાયતથી ગયેલી ચાની પેટીઓ ડુબાવી દીધી હતી અને ઇંગ્લૅન્ડને વશ નહીં રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો હતો, તેની સાથે સરખાવી હતી. એક તરફ ૧૩,૦૦૦ હિંદીઓનો એક નિરાધાર સમુદાય ને એની સામે ટ્રાન્સવાલનું બળવાન રાજ્ય, એ દક્ષિણ આફ્રિકાની સ્થિતિ; અને અમેરિકામાં ત્યાંના સર્વ વાતે