પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'પણ મારે ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી ?' રૉયપૅને પૂછયું, 'જો તમે પહેલા કે બીજા વર્ગમાં મુસાફરી કરો તો મારે કોની પાસે ત્રીજા વર્ગમાં મુસાફરી કરાવવી ? જેલમાં તમને બૅરિસ્ટર તરીકે કોણ ઓળખશે ?' મેં જવાબ આપ્યો.. જોસફ રૉયપૅનને સારુ એ જવાબ બસ હતો. તે પણ જેલમાં સિધાવ્યા.

સોળ વર્ષના જુવાનો તો કેટલાયે જેલમાં પહોંચ્યા.

જેલમાં સત્તાવાળાઓએ દુઃખ દેવામાં બાકી ન રાખી. પાયખાનાં સાફ કરાવ્યાં. તે હિંદી કેદીઓએ હસતે મુખે સાફ કર્યા. પથ્થર ફોડાવ્યા. અલ્લા કે રામનું નામ લેતાં તે તેમણે ફોડ્યા. તળાવો ખોદાવ્યાં. પથ્થરવાળી જમીનો ખોદાવી. હાથમાં અાંટણો પડ્યાં, કોઈ અસહ્ય દુ:ખથી મૂર્છા પણ પામ્યા; પણ હાર્યા નહીં.

જેલમાં માંહોમાંહ તકરારો ને અદેખાઈ ન થાય એમ કોઈએ ન સમજવું. વધારે જોરાવર તકરાર ખાવા વિશે હોય તેમાંથી પણ અમે ઊગર્યા.

હું પણ બીજી વાર પકડાયો હતો. વૉક્સરસ્ટની જેલમાં એક વેળા અમે લગભગ ૭૫ હિંદી કેદીઓ ભેગા થયેલા. અમારી રસોઈ અમે અમારે હાથ લીધી. તકરારોનું નિવારણ મારે જ હાથે થાય એમ હતું. તેથી હું રસોઇયો બન્યો. પ્રેમને વશ થઈ મારે હાથે થયેલી કાચીપાકી, સાકરખાંડ વિનાની રાબ પણ સાથીઓ પી લેતા.

સરકારને લાગ્યું કે મને નોખો પાડે તો હું પણ જરા તવાઉં ને કેદીઓ હારે એવો રૂડો અવસર તેણે ન જોયો.

મને પ્રિટોરિયા લઈ ગયા. ત્યાં તોફાની કેદીઓને સારુ રાખવામાં આવતી એકાંત કોટડીમાં મને પૂર્યો. માત્ર બે વખત કસરતને સારુ બહાર કાઢે. વૉક્સરસ્ટમાં ધી અપાય. અહીં તો તે પણ નહીં. આ જેલનાં પેટા દુ:ખોમાં હું પડવા નથી ઈચ્છતો. જેને જિજ્ઞાસા હોય તેણે દક્ષિણ આફ્રિકાની જેલના મારા અનુભવો વાંચી લેવા.*

આમ છતાં હિંદીઓ ન હાર્યા. સરકાર વિમાસણમાં પડી. જેલમાં કેટલા હિંદીઓને પુરાય ? ખર્ચ વધે. હવે શું કરે ?


*'મારો જેલનો અનુભવ' , નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪