પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"જ્યાં લગી તમે આ દરોગાને દૂર નહીં કરો અથવા અમારી જેલ નહીં બદલો, ત્યાં લગી અમે ખોરાક લેવાના નથી.” અા ઉપવાસ શુદ્ધ હતા. ઉપવાસ કરનારા છૂપી રીતે કંઈ ખાય તેવા ન હતા. વાંચનારે જાણવું જોઈએ કે, આવા કેસમાં જે ઊહાપોહ અહીં થઈ શકે છે તેને સારુ ટ્રાન્સવાલમાં બહુ અવકાશ ન હતો. વળી ત્યાંના નિયમો કઠણ હતા. આવે સમયે પણ કેદીઓને જોવા જવાનો રિવાજ ન હતો. સત્યાગ્રહી કેદખાનામાં ગયો એટલે ઘણે ભાગે તેને પોતાનું સંભાળી લેવું પડતું. લડાઈ ગરીબોની હતી ને ગરીબાઈથી ચાલતી હતી, એટલે આવી પ્રતિજ્ઞાનું જોખમ બહુ હતું. છતાં આ સત્યાગ્રહીઓ દૃઢ રહ્યા. તે વખતનું તેમનું કાર્ય આજના કરતાં વધારે સ્તુત્ય ગણાય, કેમ કે, તે વેળા આવા ઉપવાસની ટેવ પડી ન હતી. પણ આ સત્યાગ્રહીઓ અડગ રહ્યા ને તેમને ફતેહ મળી. સાત ઉપવાસ પછી તેઓને બીજી જેલમાં મોકલવાનો હુકમ નીકળ્યો.


૮. ફરી ડેપ્યુટેશન


આમ સત્યાગ્રહીઓને જેલમાં મોકલવાનું અને દેશપાર કરવાનું ચાલી રહ્યું હતું. તેમાં ભરતીઓટ થતી હતી. બંને પક્ષ કંઈક મોળા પણ પડ્યા હતા. સરકારે જોયું કે જેલ ભરવાથી ચુસ્ત રહેલા સત્યાગ્રહીઓ હારવાના નથી. દેશનિકાલથી સરકારની અવગણના થતી હતી. કોઈક કેસો અદાલતોમાં જતા હતા તેમાં તેની હાર પણ થતી હતી. હિંદીઓ પણ જલદ મુકાબલો કરવા તૈયાર ન હતા. તેટલી સંખ્યામાં સત્યાગ્રહી રહ્યા પણ નહોતા. કેટલાક કાયર થયા હતા. કેટલાક છેક હારી ગયા હતા ને ચુસ્ત રહેલાઓને મૂરખ ગણી કાઢતા હતા. મૂરખ પોતાને ડાહ્યા જોઈ ઈશ્વર ઉપર અને લડાઈની તથા પોતાના સાધનની સત્યતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી બેઠા હતા. તેઓ માનતા હતા કે અંતે સત્યનો જ જય છે.

દક્ષિણ આફ્રિકાનો રાજ્યવહીવટ તો એક ક્ષણ પણ રોકાતો ન હતો. બોઅર અને અંગ્રેજો દક્ષિણ આફ્રિકાનાં બધાં સંસ્થાનો એકત્ર