પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વીકારી શકે એવી એક વિશેષ દલીલ મારી પાસે હતી. જોહાનિસબર્ગમાં કોંકણના ઘણા મુસલમાનો વસતા હતા. થોડા મહારાષ્ટ્રી હિંદુઓ તો હતા જ. એ બધાની ગોખલેનું મરાઠી સાંભળવાની બહુ ઈચ્છા હતી. અને તેમને મરાઠીમાં બોલવા વીનવવા તેઓએ મને કહી રાખ્યું હતું. મેં તેમને કહ્યું, 'તમે મરાઠીમાં બોલશો તો એ લોકો રાજી થશે અને તમે બોલશો તેનો હિંદુસ્તાનીમાં તરજુમો હું કરીશ.' એટલે એ ખડખડ હસી પડયા. 'તારું હિંદુસ્તાનીનું જ્ઞાન તો મેં ખૂબ જાણી લીધું. એ હિંદુસ્તાની તને મુબારક હજે. પણ હવે તારે મરાઠીનો તરજુમો કરવો છે ? કહે તો ખરો કે એવડું મરાઠી કયાંથી શીખ્યો ?' મેં કહ્યું, 'જેમ મારા હિંદુસ્તાનીનું કહ્યું તેમ મારા મરાઠીનું સમજવું. મરાઠીનો એક અક્ષરે હું બોલી ન શકું, પણ વિષયનું મને જ્ઞાન છે તે વિષય ઉપર તમે મરાઠીમાં બોલશો તેનો ભાવાર્થ હું જરૂર સમજી જવાનો. લોકોની પાસે તેનો અનર્થ નહીં જ કરું એ તમે જોશો. બીજા જેઓ મરાઠી સારી રીતે જાણે છે તેવા તરજુમા કરવાવાળાને તો હું અવશ્ય મૂકી શકું છું પણ એ તમે પસંદ કરવાના નથી. એટલે મને નિભાવી લેજો, પણ મરાઠીમાં જ બોલજો. જેમ કોંકણીભાઈઓને છે તમે મને પણ તમારું મરાઠી ભાષણ સાંભળવાની હોંશ છે.' 'તારો કક્કો જ તું ખરો રાખજે. અહીં તારે પનારે પડયો છું એટલે મારાથી થોડું જ છૂટી શકાય તેમ છે ?' એમ કહી મને રીઝવ્યો અને ત્યાર પછી આવી સભાઓમાં છેક ઝાંઝીબાર સુધી તેઓ મરાઠીમાં જ બોલ્યા અને હું તેમનો ખાસ નિમાયેલો ભાષાંતરકાર રહ્યો. બની શકે ત્યાં સુધી માતૃભાષા મારફતે જ અને વ્યાકરણશુદ્ધ અંગ્રેજીના કરતાં વ્યાકરણરહિત ભાંગીતૂટી હિંદીમાં બોલવું એ ઈષ્ટ છે, એ હું તેમને ગળે ઉતારી શકયો કે નહીં એ તો હું જાણતો નથી. પણ એટલું જાણું છું કે, દક્ષિણ આફ્રિકામાં તો કેવળ મને રીઝવવાની ખાતર તેઓ મરાઠીમાં બોલેલા. બોલ્યા પછી એનું પરિણામ તેમને પણ ગમ્યું એ હું જોઈ શકયો, અને જ્યાં સિદ્ધાંતનો પ્રશ્ન ન હોય ત્યાં સેવકોને રીઝવવામાં ગુણ છે એમ ગોખલેએ દક્ષિણ આફ્રિકામાં પોતાના અનેક પ્રસંગે કરેલા વર્તનથી બતાવી દીધું હતું.