પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કપડાનો બહોળો ઉઠાવ થાય છે અને એવી લાખો કામળો કે ચાદરો યુરોપથી દર વર્ષે આવે છે. પુરુષોને કેડેથી ગોઠણ સુધી પોતાના અવયવો : ઢાંકવાની ફરજ છે, તેથી તેઓએ તો યુરોપનાં ઊતરેલાં કપડાં પહેરવાની પ્રથા દાખલ કરી દીધેલી છે અને એમ નથી કરતા તે નેફાવાળી ચડ્ડીઓ પહેરે છે. આ બધાં કપડાં યુરોપથી જ આવે છે.

એઓનો મુખ્ય ખોરાક મકાઈ અને મળે ત્યારે માંસ. મસાલા વગેરેથી તેઓ સદભાગ્યે કેવળ અજાણ્યા છે. એમના ખોરાકમાં મસાલા હોય અથવા તો હળદરનો રંગ પણ ચડેલો હોય તો તેઓ નાક મરડશે, અને જે કેવળ જગલી કહેવાય છે એ તો એને અડકશે પણ નહીં. મકાઈ અાખી બાફેલી અને સાથે થોડું મીઠું લઈને એકીવખતે એક શેર ખાઈ જવી એ સામાન્ય ઝૂલુને માટે જરાયે નવાઈની વાત ન ગણાય. મકાઈનો અાટો પીસીને પાણીમાં ઉકાળી ઘેસ બનાવી ખાઈને સંતોષ માને છે. જ્યારે જ્યારે માંસ મળી શકે ત્યારે કાચું અથવા પાકું બાફેલું અથવા ભૂજેલું માત્ર મીઠાની સાથે ખાઈ જાય છે. ગમે તે પ્રાણીનું માંસ ખાતાં તેને આંચકો નહીં આવે.

તેઓની ભાષા જાતિના નામની જ હોય છે. લેખનકળા ગોરાઓએ જ દાખલ કરી છે. હબસી કક્કા જેવી વસ્તુ નથી. રોમન લિપિમાં હાલ હબસી ભાષાઓમાં બાઈબલ વગેરે પુસ્તકો છપાયાં છે. ઝૂલુ ભાષા અત્યંત મધુર છે. ઘણાખરા શબ્દોને છેડે “અા”નો ઉચ્ચાર હોય છે, તેથી ભાષાના અવાજ કાનને હળવા અને મધુર લાગે છે. શબ્દોમાં અર્થ અને કાવ્ય બંને રહેલાં છે એમ મેં વાંચ્યું છે ને સાંભળ્યું છે, જે થોડા શબ્દોનું મને અનાયાસે જ્ઞાન મળ્યું તે ઉપરથી ભાષા વિશેનો ઉપરનો મત મને યોગ્ય જણાયો છે. શહેરો વગેરેનાં નામો યુરોપિયનોએ પાડેલાં જે મેં આપ્યાં છે તે બધાંનાં મધુર અને કાવ્યમય હબસી નામો છે જ. મને યાદ નહીં હોવાથી હું તે નથી આપી શકયો. હબસીઓનો ધર્મ ખ્રિસ્તી પાદરીઓના મત પ્રમાણે તો કંઈ જ ન હતો અને નથી એમ કહેવાય. પણ ધર્મનો વિસ્તીર્ણ અર્થ લઈએ