પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો હોય જ. પણ તેમની સ્મરણશક્તિ જેટલી તીવ્ર હતી તેવી જ મહેનત કરવાની શક્તિ અગાધ હતી. આખી રાત્રિ જાગ્યા અને પોલાકને અને મને જગાડ્યા. એકેએક વસ્તુની સંપૂર્ણ માહિતી મેળવી અને પોતે બરાબર સમજ્યા છે કે નહીં તેનો પડતાળો પણ મેળવી લીધો. પોતાના વિચાર મારી પાસે કહી જાય. અંતે એમને સંતોષ થયો. હું તો નિર્ભય હતો જ.

લગભગ બે કલાક કે તેથી ઉપરાંત પ્રધાનમંડળની પાસે બેઠા અને આવીને મને કહ્યું : 'તારે એક વરસની અંદર હિંદુસ્તાન પાછું આવવાનું છે. બધી વાતનો ફેંસલો થઈ ગયો છે. કાળો કાયદો રદ થશે. ઇમિગ્રેશન કાયદાનો રંગભેદ નીકળશે. ત્રણ પાઉંડનો કર રદ થશે.' મેં કહ્યું : 'મને પૂરી શંકા છે. પ્રધાનમંડળને હું ઓળખું છું તેટલું તમે નથી ઓળખતા. તમારો આશાવાદ મને પ્રિય છે, કેમ કે હું પોતે પણ આશાવાદી છું, પણ અનેક વેળાએ ડંભાયેલો હું આ વિષયમાં તમારા જેટલી આશા નથી રાખી શકતો, પણ મને ભય નથી. તમે વચન લાવ્યા તેટલું મારે સારુ બસ છે. મારો ધર્મ માત્ર આવશ્યક હોય ત્યારે લડી લેવાનો છે; અને લડાઈ ન્યાયની છે એવું સિદ્ધ કરવાનો છે. એ સિદ્ધિમાં તમને અપાયેલું વચન અમને ઘણો ફાયદો આપશે, અને લડવું જ પડશે તોયે લડવામાં અમને બમણું જોર આપશે. પણ વધારે હિંદીઓ જેલમાં ગયા વિના અને એક વર્ષમાં હું હિંદુસ્તાન આવી શકું એમ મને ભાસતું નથી.'

એટલે તેઓ બોલ્યા : 'હું તને કહું છું તેમાં ફેર પડવાનો જ નથી. મને જનરલ બોથાએ વચન આપ્યું કે કાળો કાયદો રદ થશે અને ત્રણ પાઉંડનો કર નીકળશે. તારે બાર માસમાં હિંદુસ્તાન આવ્યે છૂટકો છે. હું એક પણ બહાનું સાંભળવાનો નથી.'

જોહાનિસબર્ગનું ભાષણ પ્રિટોરિયાની મુલાકાત પછી થયું હતું.

ટ્રાન્સવાલથી ડરબન, મૅરિત્સબર્ગ વગેરે જગ્યાએ ગયા. ત્યાં પણ ઘણા ગોરાઓના પ્રસંગમાં આવ્યા. કિંબરલીની હીરાની ખાણ જોઈ. કિંબરલી અને ડરબનમાં પણ સ્વાગતમડળે જોહાનિસબર્ગ જેવાં ખાણાં કર્યાં હતાં. તેમાં ઘણા અંગ્રેજોએ હાજરી આપી હતી. આમ હિંદીઓનાં