પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાનો શુભ પ્રસંગ સહેજે પ્રાપ્ત થયો, કારણો બે મળ્યાં. ચાલતી લડાઈ દરમિયાન સરકાર તરફથી જે કાંઈ વચન આપવામાં આવે તે વચનનો ભંગ થાય તો તે ચાલુ સત્યાગ્રહમાં દાખલ થાય એ એક, અને બીજું હિંદુસ્તાનના ગોખલે જેવા પ્રતિનિધિનું એવા વચનભંગથી અપમાન થાય અને તેથી સમસ્ત હિંદુસ્તાનનું અપમાન ગણાય અને તે અપમાન ન સાંખી શકાય. જે માત્ર પહેલું જ હોત અને સત્યાગ્રહીઓની શક્તિ ન હોત તો કરને રદ કરવાને સારુ સત્યાગ્રહના શસ્ત્રનો ઉપયોગ કરવાનું તેઓ છોડી શકત, પણ હિંદુસ્તાનનું અપમાન થાય એ વસ્તુને સાંખવાનું તો ન જ બની શકે તેથી ત્રણ પાઉંડના કરને લડાઈમાં દાખલ કરવાનો સત્યાગ્રહીઓનો ધર્મ સમજાયો, અને જ્યારે ત્રણ પાઉંડના કરને લડાઈમાં સ્થાન મળ્યું ત્યારે ગિરમીટિયા હિંદીઓને પણ સત્યાગ્રહમાં ભાગ લેવાનું સ્થાન મળ્યું. આજ લગી એ લોકોને લડાઈની બહાર રાખવામાં આવ્યા હતા એ વાંચનારે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે એક તરફથી લડાઈનો બોજો વધ્યો અને બીજી તરફથી લડવૈયા પણ વધવાનો સમય દેખાયો.

ગિરમીટિયાઓમાં આજ લગી સત્યાગ્રહની કાંઈ પણ ચર્ચા કરવામાં નહોતી આવી; તેઓને તેની તાલીમ તો કયાંથી અપાય જ ? તેઓ નિરક્ષર એટલે 'ઇન્ડિયન ઓપીનિયન' અથવા તો બીજાં છાપાં કયાંથી વાંચે ? એમ છતાં મેં જોયું કે એ ગરીબ લોકો સત્યાગ્રહનું નિરીક્ષણ કરી રહ્યા હતા, જે ચાલી રહ્યું હતું તે સમજતા હતા અને તેમાંના કેટલાકને લડાઈમાં દાખલ ન થઈ શકવાનું દરદ પણ થતું હતું. પણ જ્યારે વચનભંગ થયો ત્યારે અને ત્રણ પાઉંડનો કર પણ લડાઈના હેતુમાં દાખલ કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે, તેઓમાંના કોણ દાખલ થશે એની મને મુદ્દલ ખબર નહોતી.

વચનભંગ થવાની વાત મેં ગોખલેને લખી. તેમને અત્યંત દુઃખ થયું. તેમને મેં લખ્યું કે તમારે નિર્ભય રહેવું, અમે મરણપર્યત ઝૂઝીશું અને કર રદ કરાવીશું. માત્ર એક વર્ષની અંદર મારે હિંદુસ્તાનમાં જવાનું હતું તે ટળ્યું અને પછી ક્યારે જઈ શકાય તે કહેવું અશક્ય થઈ પડયું. ગોખલે તો આંકડાશાસ્ત્રી હતા. તેમણે મારી પાસે વધારેમાં વધારે અને ઓછામાં ઓછા લડવૈયાઓનાં નામ માગ્યાં. મેં મને