પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મજકૂર ભયંકર ચુકાદાથી દક્ષિણ આફ્રિકામાં રદ ગણાયા અને તેથી તે કાયદા અન્વયે દક્ષિણ આફ્રિકામાં ઘણી પરણેલી હિંદી સ્ત્રીઓનો દરજજે તેમના પતિની ધર્મપત્નીઓ તરીકેનો મટી રાખેલી સ્ત્રીઓ તરીકે ગણાયો, અને એ સ્ત્રીઓની પ્રજાને પોતાના બાપના વારસાનો હક પણ ન રહ્યો. આ સ્થિતિ ન સ્ત્રીઓ સહી શકે, ન પુરુષ સહન કરી શકે. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓમાં ભારે ખળભળાટ વર્ત્યો. મારા સ્વભાવ પ્રમાણે મેં સરકારને પૂછ્યું કે શું તેઓ ન્યાયાધીશના ઠરાવને કબૂલ રાખશે ? કે તેણે કરેલો કાયદાનો અર્થ ખરો હોય તોપણ તે અનર્થ છે એમ સમજી નવો કાયદો પસાર કરી હિંદુ-મુસલમાન ઇત્યાદિ ધર્મક્રિયાઓ પ્રમાણે થયેલા વિવાહને કાયદેસર ગણશે ? સરકાર કાંઈ એ વખતે દાદ દે તેવી હતી નહીં. જવાબ નકારમાં આવ્યો. પેલા ઠરાવની સામે અપીલ કરવી કે નહીં એ વિચાર કરવા સત્યાગ્રહમંડળ બેઠું. છેવટે બધાએ નિશ્ચય કર્યો કે આવી બાબતમાં અપીલ હોઈ જ ન શકે. જે અપીલ કરવી હોય તો સરકાર કરે અથવા સરકાર ઇચ્છે તો ખુલ્લી રીતે તેના વકીલ મારફત હિંદીઓનો પક્ષ લે તો જ હિંદીઓથી કરી શકાય. એ વિના અપીલ કરવી એ અમુક રીતે હિંદુ-મુસલમાન વિવાહ રદ થવાનું સાંખ્યા બરાબર થાય. વળી તેવી અપીલ કર્યા પછી પણ જો તેમાં હાર થાય તો સત્યાગ્રહ જ કરવાનો હોય, તો પછી આવા અપમાનને વિશે અપીલ કરવાપણું હોય જ નહીં.

હવે સમય એવો આવ્યો કે શુભ ચોઘડિયા કે શુભ તિથિની રાહ જોવાય જ નહીં. સ્ત્રીઓનું અપમાન થયા પછી ધીરજ કેમ રહે ? થોડા કે ઘણા, જેટલા મળે તેટલાથી, સત્યાગ્રહ તીવ્ર રૂપે શરૂ કરવાનો ઠરાવ કર્યો. હવે સ્ત્રીઓને લડાઈમાં જોડાતાં ન રોકી શકાય, એટલું જ નહીં પણ સ્ત્રીઓને લડાઈમાં દાખલ થવાને નોતરવાનો નિશ્ચય કર્યો. પ્રથમ તો જે બહેનો ટૉલ્સ્ટૉય ફાર્મમાં રહી હતી તેઓને નોતરી. તે બહેનો તો દાખલ થવા તલપી રહી હતી. મેં તેમને લડતનાં બધાં જોખમોનું ભાન કરાવ્યું. ખાવાપીવામાં, પોશાકમાં, સૂવાબેસવામાં અંકુશ હશે એ સમજાવ્યું. જેલોમાં સખત મજૂરી સોંપે, કપડાં ધોવડાવે, અમલદારો અપમાન કરે વગેરે બાબતની ચેતવણી