પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગભરાઈને અથવા જેલમાં ગયા પછી અકળાઈ માફી વગેરે માગે તો મને આઘાત પહોંચે, લડાઈ એકદમ નબળી પડી જાય, એ ' વસ્તુ પણ રહી હતી. મારી પત્નીને તો મારે ન જ લલચાવવી એ નિશ્ચય હતો. તેનાથી નાયે ન પડાય અને હા પાડે તો તે હાની પણ કેટલી કિંમત કરવી એ હું ન કહી શકું. આવા જોખમના કામમાં સ્ત્રી પોતાની મેળે જે પગલું ભરે તે જ પુરુષે સ્વીકારવું જેઈએ અને ન ભરે તો પતિએ તેને વિશે જરાયે દુઃખી ન થવું જેઈએ એ હું સમજતો હતો, તેથી મેં તેની સાથે કંઈ પણ વાત ન કરવી એમ ધાર્યું. બીજી બહેનોની સાથે મેં વાત કરી. તેઓએ ટ્રાન્સવાલની બહેનોની જેમ બીડું ઝડપી લીધું અને જેલયાત્રા કરવાને તૈયાર થઈ. ગમે તે દુઃખ સહન કરીને પણ જેલ પૂરી કરીશું એવી મને ખાતરી આપી. આ બધી વાતનો સાર મારી પત્નીએ પણ જાણી લીધો; અને મને કહ્યું : 'મને આ વાતની ખબર નથી આપતા એનું મને દુ:ખ થાય છે. મારામાં એવી શી ખામી છે કે હું જેલમાં ન જઈ શકું? મારે પણ એ જ રસ્તો લેવો છે કે જે લેવાની આ બહેનોને તમે સલાહ આપી રહ્યા છો.' મેં કહ્યું : 'મારે તને દુ:ખ લગાડવાનું હોય જ નહીં. આમાં અવિશ્વાસની વાત નથી. હું તો તારા જવાથી રાજી જ થાઉં. પણ મારી માગણીથી તું ગઈ છે એવો આભાસ સરખો મને ન ગમે. આવાં કામ સૌ પોતાની હિંમતથી જ કરે. હું કહું એટલે સહેજે મારું વચન રાખવાની ખાતર તું ચાલી જાય, પછી કોરટમાં ઊભતાં જ ધ્રૂજી જાય અને હારે અથવા તો જેલનાં દુઃખથી ત્રાસે તો તેમાં તારો દોષ તો હું ન ગણું, પણ મારા હાલ શા થાય ? હું તને કઈ રીતે સંઘરી શકું અને જગતની સામે કઈ રીતે ઊભી શકું, એવા ભયથી જ મેં તને લલચાવી નથી.' મને જવાબ મળ્યો : 'હું હારીને છૂટી આવું તો મને ન સંઘરવી. મારાં છોકરાંયે સહન કરી શકે, તમે બધાં સહન કરી શકો અને હું જ એકલી ન સહન કરી શકું, એવું તમારાથી કેમ ધારી શકાય ? મારે આ લડતમાં દાખલ થયે જ છૂટકો છે.' મેં જવાબ આપ્યો : 'તો મારે તને દાખલ કર્યો જ છૂટકો છે. મારી શરત તો તું જાણે છે, મારો સ્વભાવ તું