પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણે છે. હજુ પણ વિચાર કરવો હોય તો ફરી વિચાર કરજે અને પુખ્ત વિચાર કર્યા પછી ન ભળવું એમ લાગે તો તને છૂટ છે એમ સમજજે. અને નિશ્ચય બદલવામાં હજુ કશી શરમ પણ નથી એ પણ જાણજે.' મને જવાબ મળ્યો : 'વિચારબિચાર કાંઈ કરવાના છે જ નહીં. મારો નિશ્ચય જ છે.' ફિનિકસમાં બીજા નિવાસીઓ હતા તેઓને પણ સ્વતંત્રપણે નિશ્ચય કરવાનું મેં સૂચવ્યું હતું. લડાઈ થોડી મુદત ચાલો કે લાંબી મુદત, ફિનિકસ કાયમ રહો કે જમીનદોસ્ત થાઓ, જનારા સાજા રહો કે માંદા પડો, પણ કોઈથી ન જ છૂટી શકાય, એ શરતો ફરી ફરીને અને પેરે પેરે કરીને મેં સમજાવી હતી. સૌ તૈયાર થયાં. ફિનિકસની બહારનામાં એકમાત્ર રુસ્તમજી જીવણજી ઘોરખોદુ હતા. તેમનાથી આ બધી મસલતો હું છૂપી રાખી શકું એમ ન હતું. તે પાછળ રહે એમ પણ ન હતું. તેમણે જેલ તો ભોગવી જ હતી, પણ ફરી જવાનો એમનો આગ્રહ હતો. આ ટુકડીનાં નામ નીચે પ્રમાણે છે :

૧. સૌ. કસ્તૂર મોહનદાસ ગાંધી, ર. સૌ. જયાકુંવર મણિલાલ ડૉક્ટર, ૩. સૌ. કાશી છગનલાલ ગાંધી, ૪. સૌ સંતોક મગનલાલ ગાંધી, પ. શ્રી પારસી રુસ્તમજી જીવણજી ધોરખોદુ, ૬. શ્રી છગનલાલ ખુશાલચંદ ગાંધી, ૭. શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ, ૮. શ્રી મગનભાઈ હરિભાઈ પટેલ, ૯. શ્રી સૉલોમન રૉયપન, ૧૦. ભાઈ રામદાસ મોહનદાસ ગાંધી, ૧૧. ભાઈ રાજુ ગોવિંદુ, ૧૨. ભાઈ શિવપૂજન બદ્રી, ૧૩. ભાઈ ગોવિંદ રાજુલુ, ૧૪. કુપ્પુસ્વામી મુદલિયાર, ૧૫. ભાઈ ગોકળદાસ હંસરાજ, ૧૬.. ભાઈ રેવાશંકર રતનશી સોઢા.

પછી શું થયું તે હવેના પ્રકરણમાં.