પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બહાદુર બહેનોને હવે કંઈ સરકાર છોડે ? તે પકડાઈ અને પહેલી ટુકડીને મળી. તેઓને પણ એ જ સજા મળી અને એ જ જગ્યાએ કેદમાં રાખી. દક્ષિણ આફ્રિકાના હિંદીઓ જાગ્યા. તેઓની નિદ્રા ભાગી. તેઓમાં નવું ચેતન આવ્યું જણાયું. પણ સ્ત્રીઓનાં બલિદાને હિંદુસ્તાનને પણ જગાડ્યું, સર ફિરોજશા મહેતા આજ લગી તટસ્થ હતા. ૧૯૦૧ની સાલમાં મને તેમણે ઠપકો આપી ત્યાં ન જવા સમજાવ્યો હતો. તેમનો અભિપ્રાય હું અગાઉ જણાવી ગયો છું. સત્યાગ્રહની લડતે પણ તેમની ઉપર થોડી જ છાપ પાડી હતી. પણ સ્ત્રીઓની કેદે તેમના ઉપર જાદુઈ અસર કરી. તેમણે પોતે જ પોતાના ટાઉનહૉલના ભાષણમાં જણાવ્યું કે સ્ત્રીઓની કેદે તેમની શાંતિ પણ ભાંગી છે. હિંદુસ્તાનથી હવે શાંત રહી બેસાય જ નહીં.

સ્ત્રીઓની બહાદુરીની શી વાત ! બધીને નાતાલની રાજધાની મારિત્સબર્ગમાં રાખવામાં આવી. અહીં તેઓને ઠીક દુઃખ દેવામાં આવ્યું. ખોરાકમાં તેઓની જરા પણ કાળજી ન રાખવામાં આવી. મજૂરીમાં તેઓને ધોબીનું કામ આપવામાં આવ્યું. બહારથી ખોરાક આપવાની સખત મનાઈ લગભગ આખર સુધી રખાઈ. એક બહેનને અમુક જ ખોરાક લેવાનું વ્રત હતું. તેને તે ખોરાક ઘણી મુસીબતે આપવાનો ઠરાવ થયો, પણ તે એવો ખરાબ કે ખાધો જાય નહીં. ઑલિવ ઓઈલની ખાસ જરૂર હતી. તે પ્રથમ તો ન જ મળ્યું. પછી મળ્યું; પણ તે જૂનું ને ખોરું. પોતાને ખર્ચે મંગાવવાની વિનંતી કરવામાં આવી તેના જવાબમાં, 'આ કંઈ હોટેલ નથી. જે મળે તે ખાવું પડશે;' એવો જવાબ મળ્યો. આ બહેન જ્યારે જેલમાંથી નીકળી ત્યારે તે માત્ર હાડપિંજર રહી હતી. મહાપ્રયાસે તે બચી.

બીજી એક જીવલેણ તાવ લઈને નીકળી. તેના તાવે જેલમાંથી નીકળ્યા બાદ તેને થોડા જ દિવસમાં પ્રભુને ત્યાં પહોંચાડી. એને હું કેમ ભૂલું ! વાલિયામા અઢાર વર્ષની બાળા હતી. હું તેની પાસે ગયો ત્યારે તે પથારીવશ હતી. તે કદમાં ઊંચી હોવાથી તેનું લાકડી જેવું શરીર બિહામણું લાગતું હતું.

'વાલિયામા, જેલ જવાનો પશ્ચાત્તાપ તો નથી ના ?'