લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'પશ્ચાત્તાપ શાને હોય ! મને ફરી પકડે તો હું હમણાં જ જેલ જવા તૈયાર છું.'

'પણ આમાંથી મોત નીપજે તો ?' મેં પૂછ્યું.

'ભલે નીપજે. દેશને ખાતર મરવું કોને ન ગમે ?'

આ વાત પછી વાલિયામા થોડા દિવસમાં મૃત્યુ પામી. તેનો દેહ ગયો, પણ આ બાળા પોતાનું નામ અમર કરી ગઈ છે. વાલિયામાની પાછળ શોક દર્શાવનારી સભાઓ ઠેકઠેકાણે થઈ અને કોમે આ પવિત્ર બાઈના સ્મરણાર્થે 'વાલિયામા હૉલ' બાંધવાનો ઠરાવ કર્યો. અા હૉલ બાંધવાનો ધર્મ હજુ કોમે પાળ્યો નથી. તેમાં વિઘ્નો આવ્યાં છે. કોમમાં કુસંપ પેઠો. મુખ્ય કાર્યકર્તાઓ એક પછી એક ચાલ્યા ગયા. પણ પથ્થર ને ચૂનાનો હૉલ બંધાઓ વા ન બંધાઓ, વાલિયામાની સેવાનો નાશ નથી. એ સેવાનો હૉલ તો તેણે પોતાને હાથે જ બાંધ્યો. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરોમાં આજ પણ બિરાજે છે. અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઈતિહાસમાં વાલિયામા છે જ.

આ બહેનોનું બલિદાન વિશુદ્ધ હતું. એ બિચારી કાયદાની બારીકીઓ જાણતી ન હતી. તેમાંની ઘણીને દેશનું ભાન ન હતું. તેમનો દેશપ્રેમ કેવળ શ્રદ્ધા ઉપર નિર્ભર હતો. તેમાંની કેટલીક નિરક્ષર હતી, એટલે છાપું ક્યાંથી વાંચી જાણે ? પણ તે જાણતી હતી કે કોમના માનવસ્ત્રનું હરણ થતું હતું. તેમનું જેલ જવું તેમનો આર્તનાદ હતો; શુદ્ધ યજ્ઞ હતો. આવી હૃદયની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. યજ્ઞની શુદ્ધતામાં તેની સફળતા રહેલી છે. પ્રભુ ભાવનાનો ભૂખ્યો છે. ભક્તિપૂર્વક, એટલે કે નિ:સ્વાર્થ બુદ્ધિથી અપાયેલું પાંદડું, પુષ્પ કે પાણી પણ ઈશ્વર હેતે સ્વીકારે છે ને તેનું કરોડ ગણું ફળ દે છે. સુદામાના ધેલા ચપટી ચોખાની ભેટે તો તેની વર્ષોની ભૂખ ભાંગી. ઘણાના જેલમાં જવાથી ફળ નયે આવો, પણ એક જ શુદ્ધ આત્માએ ભક્તિપૂર્વક કરેલું અર્પણ કોઈ કાળે અફળ જાય નહીં. કોણ જાણે છે કે દક્ષિણ આફ્રિકામાં કોનો કોનો યજ્ઞ ફળ્યો ? પણ એટલું તો આપણે જાણીએ જ છીએ કે વાલિયામાનો તો ફળ્યો જ. બહેનોનો તો ફળ્યો જ.