પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્વદેશયજ્ઞમાં, જગતયજ્ઞમાં અસંખ્ય હોમાયા છે, હોમાઈ રહ્યા છે ને હોમાશે. એ જ યથાર્થ છે, કેમ કે કોઈ જાણતું નથી કે કોણ શુદ્ધ છે. પણ સત્યાગ્રહીઓ આટલું તો સમજે જ કે તેમનામાં એક પણ શુદ્ધ હોય તો તેનો યજ્ઞ ફળ નિપજાવવાને સારુ બસ છે. પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્– અસત્ય–એટલે 'નથી', સત્-સત્ય–એટલે 'છે' અસત્`ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય ? અને 'છે' તેનો નાશ કોણ કરી શકનાર છે ? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.


૧૭. મજૂરોની ધારા


બહેનોના આ ત્યાગની અસર મજૂરો પર અદ્ભુત થઈ. ન્યૂકૅસલની નજીકની ખાણોમાંના મજૂરોએ પોતાનાં ઓજાર છોડયાં. તેઓની ધારા ચાલી. મને ખબર પડતાં મેં ફિનિકસ છોડ્યું ને હું ન્યૂકૅસલ પહોંચ્યો.

આવા મજૂરોને પોતાનાં ઘર હોતાં નથી. માલિકો જ તેઓને સારુ ઘર બનાવે છે, માલિકો જ તેઓના રસ્તાઓ ઉપર દીવાબત્તી મૂકે છે, માલિકો જ તેઓને પાણી પણ આપે છે. એટલે મજૂરો દરેક રીતે પરાધીન થાય છે. અને તુલસીદાસે કહ્યું છે તેમ –

'પરાધીન સપને સુખ નાહીં.'

મારી પાસે અનેક જાતની ફરિયાદો આ હડતાળિયા લાવવા માંડ્યા. કોઈ કહે માલિકો રસ્તાની બત્તીઓ બંધ કરે છે. કોઈ કહે પાણી બંધ કરે છે. કોઈ કહે તેઓ હડતાળિયાઓનો સરસામાન તેઓની કોટડીઓ બહાર ફેંકી દે છે. એક પઠાણે આવી મારી પાસે પોતાનો વાંસો બતાવ્યો ને બોલ્યો, 'યહ દેખો મુઝે કૈસે મારા હૈ. મૈંને આપકે લિયે બદમાશકો છોડ દિયા હૈ. આપકા યહી હુકમ હૈ. મેં પઠાન હૂં ઔર પઠાન કભી માર ખાતા નહીં હૈ. માર મારતા હૈ.'

મેં જવાબ આપ્યો : 'તુમને બહુત હી અચ્છા કામ કિયા. ઈસીકો મૈ સચ્ચી બહાદુરી કહતા હૂં. તુમારે જૈસે લોગોંસે હમ જીતેંગે.'