પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં આમ મુબારકબાદી તો આપી, પણ મનમાં વિમાસ્યું કે આવું ઘણાને બને તો હડતાળ નહીં ચાલે, મારનું છોડીએ તો માલિકોની ફરિયાદ પણ શી કરવી ? હડતાળ કરનારનાં બત્તી, પાણી વગેરેની સગવડો માલિકો કાપી નાખે તો તેમાં ફરિયાદને ઝાઝું સ્થાન નથી. હો કે ન હો, લોકો એવી સ્થિતિમાં કેમ નભી શકે ? મારે કંઈક ઉપાય વિચારી લેવો જોઈએ. અથવા તો લોકો કેવળ થાકીને કામ ઉપર ચડે તો તેના કરતાં તેઓ પોતાની હાર કબૂલ કરીને પાછા કામે જાય એ જ સારું, પણ એવી સલાહ મારે મુખેથી લોકો ન જ સાંભળે. રસ્તો એક જ હતો કે, લોકોએ માલિકોની કોટડીઓ છોડવી. એટલે 'હિજરત' કરવી.

મજૂરો પાંચપચીસ ન હતા. સેંકડો હતા; હજારો થતાંયે વાર ન લાગે, તેઓને સારું મકાન કયાંથી કાઢું? ખાવાનું કયાંથી લાવું? હિંદુસ્તાનથી પૈસા મંગાવવા નહોતા. ત્યાંથી જે પૈસાનો વરસાદ વરસેલો તે હજુ વરસવો શરૂ નહોતો થયો. હિંદી વેપારીઓ એટલા ડરી ગયા હતા કે તેઓ મને જાહેર રીતે કંઈ મદદ આપવા તૈયાર ન હતા. તેઓનો વેપાર ખાણના માલિકો સાથે ને બીજા ગોરાઓની સાથે રહ્યો એટલે તેઓ ખુલ્લી રીતે મને કેમ મળે ? હું જ્યારે જ્યારે ન્યૂકૅસલ જતો ત્યારે તેમને ત્યાં ઊતરતો. આ વેળા મેં પોતે જ તેમનો રસ્તો સરળ કરી મૂકયો. બીજી જગ્યાએ જ ઊતરવાનો નિશ્ચય કર્યો.

હું જણાવી ગયો છું કે જે બહેનો ટ્રાન્સવાલથી આવી હતી તેઓ દ્રાવિડ પ્રાંતની હતી. તેમનો ઉતારો એક દ્રાવિડ કુટુંબ જે ખ્રિસ્તી હતું તેમને ત્યાં હતો. એ કુટુંબ મધ્યમ સ્થિતિનું હતું. તેને નાનો જમીનનો ટુકડો હતો ને બેત્રણ કોટડીવાળું ઘર હતું. મેં અહીં ઊતરવાનો નિશ્ચય કર્યો. ઘરધણીનું નામ લૅઝરસ હતું. ગરીબને કોની બીક હોય ? આ બધા મૂળ ગિરમીટિયા કુટુંબના હોય એટલે તેમને અથવા તેમનાં સગાંને ત્રણ પાઉંડ દેવાના હોય. ગિરમીટિયાનાં દુ:ખોનો તેમને પૂરો પરિચય હોય જ, એટલે તેમના પ્રત્યે લાગણી પણ પૂરી હોય. આ કુટુંબે મને વધાવી લીધો. મને વધાવી લેવો એ કોઈ કાળે મિત્રોને સારુ સહેલું તો રહ્યું જ નથી. પણ આ વેળા મને