પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધાવવો એટલે આર્થિક નાશને વધાવવો, કદાચ જેલને પણ વધાવવી પડે એવું હતું. આવી સ્થિતિમાં મુકાવાને તૈયાર ધનિક વેપારી થોડા જ હોઈ શકે. મારે મારી અને તેમની મર્યાદા સમજી તેમને કફોડી સ્થિતિમાં ન મૂકવા જોઈએ. લૅઝરસને બિચારાને થોડો પગાર ખોવો પડે તો તે ખુએ. તેને કેદમાં કોઈ લઈ જાય તો ભલે, પણ તે પોતાનાથી પણ ગરીબ એવા ગિરમીટિયાનું દુ:ખ કેમ નિરાંતે સાંખે ? તેને ત્યાં જ રહેલી બહેનો અા ગિરમીટિયાની મદદે આવતાં જેલમાં જતી તેણે જોઈ તેમના પ્રત્યે પણ પોતાની ફરજ છે એમ ભાઈ લૅઝરસે વિચાર્યું ને મને સંઘર્યો, સંઘર્યો તો ખરો પણ પોતાનું સર્વસ્વ આપ્યું. મારા તેને ત્યાં જવા પછી તેનું ઘર ધર્મશાળા થયું. સેંકડો માણસો ગમે તેવા આવે ને જાય. તેના ઘરની આસપાસની જમીન માણસોથી ખદબદી ઊઠી. તેને ઘેર ચોવીસ કલાક રસોડું ચાલ્યું, તેમાં તેની ધર્મપત્નીએ કાળજાતૂટ મહેનત કરી. અને એમ છતાં બંનેનો હસમુખો ચહેરો કાયમ હતો. મેં તેમની મુખાકૃતિમાં કદી અણગમો ન જોયો.

પણ લૅઝરસ કંઈ સેંકડો મજૂરોને ખાવાનું પૂરું પાડી શકે ? મજૂરોને મેં સંભળાવી દીધું કે તેઓએ પોતાની હડતાળ કાયમની સમજી પોતાના માલિકોએ આપેલાં ઝૂંપડાં છોડવાં રહ્યાં, સામાન વેચવા જેવો હોય તે વેચી નાખે. બાકીનો પોતાની કોટડીમાં મૂકી રાખે. માલિકો તેને હાથ નહીં લગાડે, અને વધારે વેર વાળવા સામાન ફેંકી દે તો તે જોખમ પણ મજૂરોએ ખેડવું. મારી પાસે તેઓ પોતાનાં પહેરવાનાં કપડાં ને ઓઢવાની કામળી ઉપરાંત કંઈ પણ ન લાવે. જ્યાં લગી હડતાળ ચાલે ને જ્યાં લગી તેઓ જેલ બહાર રહે ત્યાં લગી હું તેઓની જેડે જ રહીશ ને ખાઈશપીશ. આ શરતે તેઓ બહાર નીકળી આવે તો અને તો જ તેઓ ટકી શકે ને કોમની જીત થાય. તેમ કરવાની જેની હિંમત ન હોય તેણે પોતાના કામ પર જોડાઈ જવું જે જોડાય તેનો કોઈએ તિરસ્કાર ન કરવો. કોઈએ તેની પજવણી ન કરવી. આ શરતોનો કોઈએ ઇનકાર કર્યો હોય એવું મને યાદ નથી. મેં કહ્યું તે જ દિવસથી હિજરત કરનાર – ઘરત્યાગીઓની કતાર જામી. સૌ પોતાનાં બૈરાંછોકરાંને