લઈ માથે પોતાનાં પોટલાં મૂકી આવવા લાગ્યા. મારી આગળ ઘરને સારુ માત્ર જમીન હતી. સારે નસીબે આ મોસમમાં વરસાદ ન હતો, તેમ ટાઢ પણ ન હતી.
ખોરાકને સારુ મારો વિશ્વાસ હતો કે વેપારીવર્ગ પાછી પાની નહીં કરે. ન્યૂકૅસલના વેપારીઓએ રાંધવા વાસણો આપ્યાં ને ચાવલ તથા દાળના બસ્તા (ગૂણો) મોકલ્યા. બીજાં ગામોમાંથી પણ દાળ, ચાવલ, લીલોતરી, મસાલા વગેરેનો વરસાદ વરસ્યો. હું ધારતો હતો તેના કરતાં આ વસ્તુઓ મારી પાસે વધારે આવવા લાગી. સહુ જેલ જવા તૈયાર ન થાય પણ સહુની દિલસોજી તો હતી જ. સહુ યથાશક્તિ મદદનો ફાળો ભરવા રાજી હતા. જેઓ કંઈ આપી શકે તેવા ન હતા તેવાઓએ પોતાની ચાકરી દઈને મદદ કરી. આ અજાણ્યા, અશિક્ષિત માણસોને સંભાળવા સારુ જાણીતા ને સમજુ સ્વયંસેવકો તો જેઈએ જ; તે મળી ગયા. અને તેઓએ અમૂલ્ય મદદ કરી. તેમાંના ઘણા તો પકડાયા પણ ખરા. આવી રીતે બધાએ યથાશક્તિ મદદ આપી અને માર્ગ સરળ થયો.
માણસોની ભીડ જામી. આટલા બધા અને નિરંતર વધતા જતા મજૂરોને એક જ સ્થળે ને વગર ધંધે સાચવવા અશકય નહીં તો ભયાનક કામ હતું. તેઓની શૌચાદિની ટેવો તો સારી હોતી જ નથી. આ સંઘમાં કેટલાક ગુનો કરી જેલ જઈ આવેલા પણ હતા. કોઈ તો ખૂનના ગુનાવાળા હતા; કોઈ ચોરીને સારુ કેદ ભોગવી છૂટેલા હતા. કોઈ વ્યભિચારને સારુ કેદ ભોગવી આવેલા હતા. હડતાળિયા મજૂરોમાં મારાથી નીતિના ભેદ પડાય નહીં. ભેદ પાડું તોપણ કોણ કહે રાંપીનો ઘા ? હું કાજી થવા બેસું તો વિવેકહીન બનું, મારું કાર્ય કેવળ હડતાળ ચલાવવાનું હતું, આમાં બીજા સુધારાને ભેળવી શકાય તેમ ન હતું. છાવણીમાં નીતિ જાળવવાનું કામ મારું હતું. આવનારા ભૂતકાળમાં કેવા હતા તેની તપાસ કરવાનો મારો ધર્મ ન હતો. આવો શંભુમેળો સ્થિર થઈને બેસે તો ગુના થયા વિના ન જ રહે. જેટલા દિવસ મેં કાઢયા તેટલા દિવસ શાંતિથી ગયા એ જ ચમત્કાર હતો. કેમ જાણે સહુ પોતાનો આપદ્ધર્મ સમજી ગયા હોય નહીં એવી રીતે શાંતિથી રહ્યા.