પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેવા માણસ સાથે સમાધાની એક જ હોઈ શકે. માગ્યું તે લેવું; એની પાસેથી વચનો ન લેવાં. જે વચન આપીને ફરી જાય એને ઉધાર અપાય જ કેમ?' આવી જાતની દલીલ કેટલીક જગ્યાએ થશે એ હું જાણતો જ હતો. તેથી મને આશ્ચર્ય ન થયું. સત્યાગ્રહી ગમે તેટલી વાર દગો થાય તે છતાં, વચનો ઉપર ભરોસો ન રાખવાનું સ્પષ્ટ કારણ ન હોય ત્યાં લગી, ભરોસો રાખે જ. જેણે દુ:ખને સુખ કરી મૂકયું હોય તે જ્યાં અવિશ્વાસ કરવાનું કારણ ન હોય ત્યાં કેવળ દુઃખના ભયથી ત્રાસીને અવિશ્વાસ ન કરે, પણ પોતાની શક્તિ ઉપર વિશ્વાસ રાખી વિરોધી પક્ષ દગો દે તેને વિશે નિશ્ચિત રહીને, ગમે તેટલી વેળા દગો થાય તોપણ વિશ્વાસ રાખ્યા કરે અને માને કે, તેમ કરતાં જ સત્યનું બળ વધશે અને વિજય નજીક આવશે. તેથી ઠેકઠેકાણે સભાઓ ભરીને સમાધાનીનો સ્વીકાર કરવાનું હું લોકોને અંતે સમજાવી શકયો અને લોકો પણ સત્યાગ્રહનું રહસ્ય વિશેષ સમજતા થયા. આ વખતની સમાધાનીમાં વચ્ચે હોવામાં અને સાક્ષી રહેવામાં મિ. એન્ડ્રૂઝ હતા તેમ જ વાઈસરૉયના એલચી તરીકે સર બેન્જામિન રૉબર્ટસન પણ હતા એટલે સમાધાની મિથ્યા થવાનો ઓછામાં ઓછો ભય હતો. જે મેં સમાધાની નહીં કરવાની હઠ કરી હોત તો કોમનો ઊલટો દોષ ગણાત અને જે વિજય છ મહિના બાદ મળ્યો તે મળવામાં અનેક પ્રકારનાં વિધ્નો આવત. સત્યાગ્રહી કોઈ પણ કાળે પોતાની તરફ આંગળી સરખી ચીંધવાને કારણ ન આપે. એવા જ અનુભવથી क्षमा वीरस्य भूशणम् એ વાકય લખાયું છે. અવિશ્વાસ એ પણ બીકણપણાની નિશાની છે. સત્યાગ્રહમાં નિર્ભયતા રહેલી જ છે. નિર્ભયને બીક શી? અને જયાં વિરોધીનો વિરોધ જીતવાનો છે, વિરોધીનો નાશ નથી કરવાનો, ત્યાં અવિશ્વાસ શો ?

એટલે કોમે સાવધાની કબૂલ રાખી ત્યાર બાદ કેવળ યુનિયન પાર્લમેન્ટ બેસવાની રાહ જ જોવાની રહી. દરમિયાન પેલું કમિશન ચાલી રહ્યું હતું. કમિશનમાં ઘણા જ થોડા સાક્ષીઓ હિંદીઓ તરફથી ગયા. તે વખતે સત્યાગ્રહીઓની કોમ ઉપર કેટલી બધી અસર હતી તેનો અાથી સચોટ પુરાવો મળ્યો. સર બેન્જામિન રૉબર્ટસને ધણા