પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદીઓની સાક્ષી આપવા સમજાવ્યું, પણ લડતનો બહુ વિરોધ કરતા હતા તેવા થોડા જ સિવાય બધા અડગ રહ્યા. આ બહિષ્કારની અસર મુદ્દલ નઠારી ન પડી. કમિશનનું કામ ટૂંકું થયું અને રિપોર્ટ ઝપાટાથી બહાર પડયો. રિપોર્ટમાં હિંદી કોમે મદદ ન કરી એ બીના પર કમિશનના સભ્યોએ સખત ટીકા કરી ખરી. સિપાઈઓની ગેરવર્તણૂકનું તહોમત ઉડાવી દીધું, પણ કોમને જે જે વસ્તુ જોઈતી હતી તે બધું આપવાની ભલામણ કમિશને કરી. એટલે કે, ત્રણ પાઉંડનો કર કાઢી જ નાખવો જોઈએ, વિવાહની બાબતમાં હિંદીઓની માગણી કબૂલ રાખવી જોઈએ અને બીજી પણ કેટલીક ઝીણી વસ્તુઓ આપવાની અને બધું વગર ઢીલે કરવાની ભલામણ કરી. આમ કમિશનનો રિપોર્ટ જનરલ સ્મટ્સે કહ્યું હતું તે પ્રમાણે અનુકૂળ નીવડયો. મિ. એન્ડ્રૂઝ વિલાયત જવા વિદાય થયા; તેમ જ સર બેન્જામિન રૉબર્ટસન ઊપડી ગયા. કમિશનના રિપોર્ટ પ્રમાણે કાયદો ઘડવામાં આવશે એવો અમને ભરોસો આપવામાં આવ્યો હતો. એ કાયદો શો હતો અને કેમ થયો એ હવેના પ્રકરણમાં વિચારીશું.

ર૬. લડતનો અંત

કમિશનના રિપોર્ટ પછી થોડા જ સમયમાં જે કાયદા વડે સમાધાની થવાની હતી તેનો મુસદ્દો યુનિયન ગેઝેટમાં બહાર પડયો. એ મુસદ્દો બહાર પડતાં જ મારે કેપટાઉન જવાનું થયું. યુનિયનની ધારાસભાની બેઠક ત્યાં જ હતી, ત્યાં જ હોય છે. એ બિલમાં નવ કલમ છે. અને તે 'નવજીવન'નાં બે કૉલમની અંદર સમાઈ જાય. તેમાંનો એક ભાગ હિંદીઓ વચ્ચેના વિવાહને લગતો છે, જેની રૂએ, જે વિવાહ હિંદુસ્તાનમાં કાયદેસર ગણાય તે દક્ષિણ આફ્રિકામાં પણ કાયદેસર ગણાય એવી મતલબ છે. પણ એક કરતાં વધારે પત્ની એકીવખતે કોઈની કાયદેસર પત્ની ન ગણી શકાય. બીજા ભાગ વડે ત્રણ પાઉંડનો કર જે દરેક ગિરમીટિયાએ જો તેને સ્વતંત્ર હિંદી તરીકે રહેવું હોય તો દર વરસે આપવાનો હતો તે રદ કરે છે. અને